AUS vs IND 4th Test: મેલબોર્ન એરપોર્ટ પર વિરાટ મીડિયાકર્મી પર ગુસ્સે થયો, જાણો શું ભૂલ કરી હતી
મેલબોર્ન: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ રમવા ભારતીય ટીમ ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન શહેરમાં પહોંચી ગઈ (IND vs AUS 4th Test) છે. વિરાટ કોહલી મેલબોર્ન એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે માહોલ ગરમ થઇ ગયો (Virat Kohli at Melbourne airport) હતો, વિરાટ ઓસ્ટ્રેલિયન મીડિયા પર ગુસ્સો ઠાલવતો જોવા મળ્યો હતો.
શું હતો મામલો:
ઓસ્ટ્રેલીયાની એક ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ વિરાટ કોહલીએ એક ટીવી રિપોર્ટર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. વિરાટને લાગ્યું કે કેમેરાપર્સન તેના બાળકોના ફોટા અને વીડિયો કેપ્ચર કરી રહ્યા છે. આનાથી વિરાટ નારાજ થયો. વિરાટે મીડિયા કર્મીને જાહેરમાં કહ્યું કે, ‘મારા બાળકો સાથે મારે થોડી પ્રાઈવસી જોઈએ છે. તમે પૂછ્યા વગર શૂટ ન કરી શકો.’
અહેવાલમાં એક પત્રકારને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, ‘કોહલી કેમેરા જોઈને થોડો ગુસ્સે થઈ ગયો. એ તેની ગેરસમજ હતી. તેને લાગ્યું કે મીડિયાકર્મી તેના બાળકો સાથે તેનું શૂટિંગ કરી રહ્યા છે. બાદમાં તેમની ગેરસમજ દૂર થઈ હતી, તેમણે જાણવા મળ્યું કે કેમેરા બાળકો તરફ ન હતા. કોહલીએ મીડિયાકર્મી સાથે વાત કરીને મામલો થાળે પાડ્યો હતો.’ નોંધનીય છે કે વિરાટ તેના પરિવારની પ્રાઈવસી બાબતે હંમેશા કડક રહ્યો છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે મુંબઈ એરપોર્ટથી રવાના થતા સમયે પણ વિરાટ સેલ્ફી લેવા જીદ કરી રહેલા ચાહકો પર ગુસ્સે થયો હતો.
બોક્સિંગ ડે ટેસ્ટ:
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરીઝની ચોથી મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. આ મેચને બોક્સિંગ ડે ટેસ્ટ પણ કહેવામાં આવી રહી છે. 5 મેચની સિરીઝ હાલમાં 1-1 થી બરાબર છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ ભારતે જીતી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં આયોજિત ડે નાઈટ ટેસ્ટમાં જીત મેળવી હતી. બ્રિસ્બેનમાં રમાયેલી ત્રીજી મેચ વરસાદને કારણે ડ્રો રહી હતી. બોક્સિંગ ડે ટેસ્ટ જીતનારી ટીમ સિરીઝ પર મજબુત પકડ બનાવી શકે છે.