કોહલીએ વડોદરાના મેદાન પર ઉતરતા જ રેકૉર્ડ-બુકમાં ગાંગુલીને પાછળ મૂકી દીધો

વડોદરાઃ વિરાટ કોહલી (Virat Kohli) હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર વન-ડે ફૉર્મેટમાં રમે છે અને એમાં તે નિવૃત્ત થતાં પહેલાં વધુ કેટલાક વિક્રમો પોતાના નામે કરશે તો નવાઈ નહીં લાગે, પરંતુ રવિવારે તેણે એક સિદ્ધિ તો મેળવી જ હતી. તેણે ભારત વતી સૌથી વધુ વન-ડે રમનારાઓમાં સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ને પાછળ રાખી દીધો હતો.
ભારતના કૅપ્ટન શુભમન ગિલે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને વર્તમાન ક્રિકેટ જગતનો ફિટેસ્ટ ખેલાડી અને બૅટિંગ-લેજન્ડ કોહલી હંમેશની માફક સ્ફૂર્તિ અને ઉત્સાહપૂર્વક મેદાન પર આવ્યો હતો. એ સાથે જ તે ભારત વતી સૌથી વધુ વન-ડે રમનારાઓમાં પાંચમા નંબર પર આવી ગયો હતો અને ગાંગુલી છઠ્ઠે પહોંચ્યો હતો. અત્યાર સુધી ગાંગુલી 308 વન-ડે સાથે આ યાદીમાં પાંચમા નંબરે હતો. કોહલી વડોદરામાં કરીઅરની 309મી વન-ડે રમ્યો અને એ સાથે તેણે ગાંગુલીને પાછળ પાડી દીધો હતો.
આ લિસ્ટમાં સચિન તેન્ડુલકર (463 વન-ડે) પહેલા નંબરે છે. એમએસ ધોની (347 વન-ડે) બીજા નંબરે છે.
ન્યૂ ઝીલૅન્ડ વતી સૌથી વધુ સદી ફટકારનારાઓમાં કોહલી સંયુક્ત રીતે રિકી પૉન્ટિંગ તથા વીરેન્દર સેહવાગ સાથે પહેલા સ્થાને છે. કોહલીને આ સિરીઝમાં વધુ એક સેન્ચુરી બન્ને દિગ્ગજથી આગળ કરી દેશે, કારણકે કોહલીની કિવીઓ સામે છ સદી સામે પૉન્ટિંગ-સેહવાગની પણ છ-છ સેન્ચુરી હતી.
ભારત વતી સૌથી વધુ વન-ડે કોની
સચિન તેન્ડુલકરઃ 463 મૅચ
એમએસ ધોનીઃ 347 મૅચ
રાહુલ દ્રવિડઃ 340 મૅચ
મોહમ્મદ અઝહરુદ્દીનઃ 334 મૅચ
વિરાટ કોહલીઃ 309 મૅચ



