રાંચી: વિરાટ કોહલીએ અંગત કારણોસર ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝ ના રમવાનો નિર્ણય કર્યો હતો, જેને કારણે ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડ્યો હતો. ભારતે ટેસ્ટ સિરીઝ જીતી લીધી છે, પરંતુ ટીમ ઇન્ડિયામાં કોઈ વખતે વિરાટની ગેરહાજરી વર્તાઈ હતી. એવામાં પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલીના IPL રમવા અંગે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. IPL 2024 ની શરૂઆત 22મી માર્ચે ચેન્નઈના ચેપોક સ્ટેડીય ખાતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના મેચથી થશે.
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ માટે શરૂઆતમાં ભારતીય ટીમમાં વિરાટનું નામ હતું, પરંતુ પ્રથમ ટેસ્ટ પહેલા જ વિરાટ અંગત કરણસર ટીમમાંથી બહાર નીકળી ગયો હતો. ત્યાર બાદ આ મહિનાની શરૂઆતમાં, વિરાટે પત્ની અનુષ્કા શર્મા સાથે તેમના બીજા બાળકના જન્મની જાહેરાત કરી હતી.
સુનીલ ગાવસ્કરે રાંચીના ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટમાં એક ઈવેન્ટ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતા કહ્યું કે, ‘તે કોઈ કારણસર નથી રમી રહ્યો, કદાચ તે આઈપીએલમાં પણ નહીં રમે.’ સુનીલ ગાવસ્કરે કહ્યું કે રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વિકેટકીપર-બેટર ધ્રુવ જુરેલ આ IPLનો સુપરસ્ટાર સાબિત થઇ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધ્રુવ જુરેલ તેની બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડ સામે અણનમ 90 અને અણનમ 39 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેને કારણે ભારતીય ટીમે પાંચ વિકેટથી જીત મેળવી હતી. ધ્રુવને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગાવસ્કરે હાર્દિક પંડ્યાને ટીમનો કેપ્ટન બનાવવાના મુંબઈ ઇન્ડિયન્સના પગલાની પ્રશંસા કરી, તેમણે કહ્યું કે હવે રોહિત શર્મા ટીમના નેતૃત્વની વધારાની જવાબદારી વિના મુક્તપણે બેટિંગ કરી શકશે. તેમણે કહ્યું કે આકાશ દીપ પણ RCBમાં વધુ એક્સપોઝર મેળવી શકે છે.
ગાવસ્કરે કહ્યું કે તેઓ તેમના ફેવરિટ ખેલાડી ઋષભ પંતને પુનરાગમન કરતો જોવા ઉત્સુક છે. તેમણે કહ્યું કે હું પણ તેનો મોટો પ્રશંસક છું. સૌથી મહત્વની બાબત એ છે કે તે પહેલાની જેમ સ્વસ્થ હશે કે કેમ. તેના માટે ખૂબ મુશ્કેલ હશે અને તેને બેટિંગ ફ્લુએન્સી મેળવવામાં થોડો સમય લાગશે. પરંતુ સારું છે કે તેણે પ્રેક્ટીસ શરૂ કરી દીધી છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને