બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં King Kohli બનાવી શકે છે આ 8 મોટા રેકોર્ડ્સ
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ લાંબા વિરામ બાદ ફરી મેદાનમાં જોવા મળશે, આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી 2 મેચની ટેસ્ટ સિરીઝ(IND vs BAN test series)ની પ્રથમ મેચ શરુ થશે. ભારતીય ચાહકોને ઘણા સમયથી તેમના પ્રિય ખેલાડીઓને રમતા જોવા આતુર છે. આવતી કાલે 19મી સપ્ટેમ્બરથી 23મી સપ્ટેમ્બર વચ્ચે ચેન્નઈના ચિદમ્બરમ સ્ટેડિયમમાં ખાતે પ્રથમ ટેસ્ટ રમાશે. આ સિરીઝ દરમિયાન ચાહકોની નજર ટીમ ઈન્ડિયા સ્ટાર ખેલાડી વિરાટ કોહલી (Virat Kohli) પર રહેશે. આ ટૂર્નામેન્ટમાં કોહલી એક-બે નહીં પણ 8 મોટા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27,000 રન:
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27,000 રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને 623 ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીએ 591 ઇનિંગ્સમાં 2,6942 રન બનાવ્યા છે, જો તે બાંગ્લાદેશ સામેની સિરીઝમાં કોહલી 58 રન બનાવશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27,000 રન બનાવનાર બેટ્સમેન બની જશે.
ઘરઆંગણે 12000 રન:
આગામી ટૂર્નામેન્ટમાં 11 રન બનાવતા જ વિરાટ કોહલી ઘરઆંગણે 12,000 રન બનાવનારા ખાસ બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ જશે. હાલમાં ભારતમાં રમાયેલી મેચોમાં કોહલીએ 11,989 રન બનાવ્યા છે.
ટેસ્ટ ક્રિકેટમાં 9000 રન:
વિરાટ કોહલીએ ભારતીય ક્રિકેટ ટીમ માટે અત્યાર સુધી કુલ 113 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 191 ઇનિંગ્સમાં 49.15ની એવરેજથી 8,848 રન બનાવ્યા છે. આગામી શ્રેણીમાં 152 રન કરીને તે ટેસ્ટ ક્રિકેટમાં 9,000 રન બનાવનાર દેશનો ચોથો બેટ્સમેન બની જશે.
ડોન બ્રેડમેનની આગળ નીકળવાની તક:
વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી કુલ 29 સદી ફટકારી છે. જો તે આગામી શ્રેણીમાં વધુ એક સદી ફટકારશે તો તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડોન બ્રેડમેનને પાછળ છોડી દેશે. ટેસ્ટ ક્રિકેટમાં બ્રેડમેનના નામે પણ 29 સદી છે.
મેથ્યુ હેડન અને ચંદ્રપોલથી આગળ નીકળી જશે:
આગામી ટેસ્ટ સિરીઝમાં 1 સદી ફટકાર્યા બાદ વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મેથ્યુ હેડન અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન શિવનારાયણ ચંદ્રપોલની બરાબરી કરશે. આ બંને મહાન ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાં 30-30 સદી ફટકારી છે.
હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન:
જો વિરાટ કોહલી આગામી સિરીઝ દરમિયાન 179 રન બનાવશે તો તે તેના હોમ ગ્રાઉન્ડ પર સૌથી વધુ રન બનાવવાના મામલે ડોન બ્રેડમેનને પાછળ છોડી દેશે.
ચોથા નંબર પર બેટિંગ કરતા સૌથી વધુ રન:
જો વિરાટ કોહલી ચોથા નંબર પર બેટિંગ કરીને 135 રન બનાવે છે, તો તે હાલમાં રમતા ખેલાડીઓમાં ચોથા નંબર પર બેટિંગ કરતી વખતે સૌથી વધુ રન બનાવવાના મામલે જો રૂટને પાછળ છોડી દેશે.
ઘરઆંગણે 100 ફિફ્ટી પ્લસ સ્કોર:
જો કોહલી આગામી સિરીઝમાં 3 વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવશે તો તે ઘરઆંગણે 100 ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર ખાસ બેટ્સમેન બની જશે.
Also Read –