વિરાટે ઑસ્ટ્રેલિયા જતાં પહેલાં મોટા ભાઈને આટલા કરોડ રૂપિયાની સંપત્તિના હક આપી દીધા…

નવી દિલ્હીઃ બૅટિંગ-લેજન્ડ વિરાટ કોહલી (Virat Kohli) ઘણા સમયથી ક્રિકેટ ન રમતો હોય ત્યારે પત્ની અનુષ્કા તેમ જ બન્ને સંતાનો (પુત્રી વામિકા તથા પુત્ર અકાય) સાથે મોટા ભાગે લંડનમાં જ રહેતો હોય છે એટલે તેણે હવે મોટા ભાઈ વિકાસ કોહલી (Vikas Kohli)ને જનરલ પાવર ઑફ ઍટર્ની (જીપીએ) આપી દીધા છે કે જેથી સંપત્તિની બાબતમાં સરકારી કે કાનૂની ફેંસલા સંબંધમાં સહીસિક્કા કરવા માટે વિરાટે વારંવાર હેરાન ન થવું પડે.
વિરાટ હાલમાં ઑસ્ટ્રેલિયાના પ્રવાસે ગયો છે અને ત્યાં જતાં પહેલાં (14મી ઑક્ટોબરે) તેણે સંપત્તિના હક મોટા ભાઈને આપ્યા હતા. વિરાટે ગુરુગ્રામમાં પોતાની જે પ્રોપર્ટી છે એ સંબંધમાં જીપીએ (GPA) મોટા ભાઈ વિકાસને આપી દીધા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો : વિરાટે `મધર્સ ડે’ નિમિત્તે અનુષ્કા શર્માને પણ આપી શુભેચ્છા…
વિરાટે ગુરુગ્રામમાં ડીએલએફ સિટી ફેઝ-વનમાં પોતાનો લગભગ 80 કરોડ રૂપિયાની કિંમતનો જે આલીશાન બંગલો છે એના જીપીએ મોટા ભાઈને આપ્યા છે. વિરાટે તેમને માત્ર જીપીએ આપ્યા કે પછી આ પ્રોપર્ટીની માલિકી તેમને સોંપી દીધી એની ચર્ચા ક્રિકેટપ્રેમીઓમાં થઈ રહી છે. ગુરુગ્રામમાં વિરાટનો એક લક્ઝુરિયસ ફ્લૅટ પણ છે અને એ પણ વિકાસ કોહલી સંભાળશે.
મુંબઈમાં પણ વિરાટનો એક આલીશાન ફ્લૅટ છે. એ ઉપરાંત તેની બીજી પ્રોપર્ટીઓ પણ છે અને દેશમાં અનેક શહેરોમાં વિરાટની વન-એઇટ કૉમ્યૂન નામની રેસ્ટોરાં પણ છે.