Virat Kohli Fined 20% of Match Fee

કોહલીને ટીનેજ ઓપનર કૉન્સ્ટેસ સાથેની ટક્કર કેટલા રૂપિયામાં પડી જાણો છો?

વિરાટને દંડ થયા બાદ ઑસ્ટ્રેલિયન બૅટરે પત્રકારોને કહ્યું, `કોહલી અકસ્માતે મારી સાથે ટકરાયો હતો, ક્રિકેટમાં આવું તો બન્યા કરે'

મેલબર્નઃ વિરાટ કોહલી અને ઑસ્ટ્રેલિયાના નવા ટીનેજ ઓપનર સૅમ કૉન્સ્ટેસ વચ્ચેની ટક્કર ગુરુવારે અહીં ચોથી ટેસ્ટ (સવારે 5.00 વાગ્યાથી લાઇવ)ના પ્રથમ દિવસની મુખ્ય ઘટના હતી. કોહલી પિચ પર આ બૅટર સાથે ટકરાયો એને પગલે મૅચ રેફરી ઝિમ્બાબ્વેના મૅચ-રેફરી ઍન્ડી પાયક્રૉફ્ટે કોહલીને 20 ટકા મૅચ-ફીનો દંડ કર્યો હતો અને તેના નામે એક ડીમેરિટ પૉઇન્ટ નોંધાવ્યો હતો. કોહલીને બીસીસીઆઇ તરફથી એક ટેસ્ટ-મૅચ રમવાના અંદાજે 45 લાખ રૂપિયા મળે છે એ જોતાં તેના નવ લાખ રૂપિયા કપાઈ ગયા હતા.

કૉન્સ્ટૅસની આ પહેલી જ આંતરરાષ્ટ્રીય મૅચ છે. ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સમાં 10મી ઓવર પછી ભારતીય ફીલ્ડરો પોતાના સ્થાનેથી પાછા જઈ રહ્યા હતા ત્યારે કોહલી એવી રીતે કૉન્સ્ટૅસ સાથે ટકરાયો જેમાં એવું લાગ્યું કે તે જાણી જોઈને કૉન્સ્ટૅસ સાથે અથડાયો હતો. મૅચ રેફરી પાયક્રૉફ્ટે આઇસીસીની આચારસંહિતાના લેવલ-વન અનુસાર કોહલીને દંડ અને ડીમેરિટ પૉઇન્ટની સજા કરી હતી. કોહલીએ આ ક્રિકેટલક્ષી સજા સ્વીકારી એટલે પાયક્રૉફ્ટે કોહલીને અને કૉન્સ્ટૅસને બોલાવીને સુનાવણી હાથ ધરવાનું ટાળ્યું હતું અને મામલો ત્યાં જ ખતમ કરી નાખ્યો હતો.

Also read: વિરાટ કોહલીએ બ્લૉક કર્યો એટલે પરેશાન છે આ સિંગર, હજી સુધી કારણ નથી જાણી શક્યો!

પિચ પરની આ ટક્કર બાદ કોહલી અને કૉન્સ્ટૅસ એકમેક સામે ઘૂરક્યા હતા અને તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. સાથી બૅટર ઉસમાન ખ્વાજા અને અમ્પાયરે તેમને છૂટા પાડવા પડ્યા હતા. રમત પૂરી થયા પછી કૉન્સ્ટેસે પત્રકારોને કહ્યું હતું કે `કોહલી જાણી જોઈને મારી સાથે નહોતો ટકરાયો. હું મારા ગ્લવ્ઝ સરખા કરી રહ્યો હતો તે અચાનક મારી સાથે ટકરાયો હતો. જોકે તે અકસ્માતે જ મારી સાથે ટકરાયો હતો. ક્રિકેટમાં આવું બધુ તો બન્યા કરે. મને લાગે છે કે અમે બન્ને જણ ખૂબ આવેશમાં આવી ગયા હતા.’

Back to top button