કાર્તિકે પૂછેલા સવાલના જવાબમાં કોહલીએ ફટ દઈને કહ્યું, ‘તારી વાઇફ’: જાણો શું છે આખો કિસ્સો
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ હમણાં ભલે પૉઇન્ટ્સ-ટેબલમાં છેક તળિયે (10મા નંબરે) હોય, પણ ચાહકોને મેદાન બહારનું મનોરંજન પૂરું પાડવામાં આ ટીમ કોઈ મોકો નથી છોડતી. બની શકે કે ચાહકોને નિરાશામાંથી થોડા હળવા કરવાનો તેમનો આશય હશે.
જુઓને, આ ટીમના કેટલાક ખેલાડીઓના વાઇરલ થયેલા વીડિયોમાં કેટલા બધા હસી રહ્યા છે. ખુદ તો હસી રહ્યા છે, ફૅન્સને પણ હસાવવાની તેમણે કોઈ કસર નથી છોડી.
બન્યું એવું કે વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિક કે જે પોતે હવે કૉમેન્ટેટર પણ છે તેણે મોજ ખાતર પોતાને પ્રેઝન્ટર બનાવીને વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસી, મોહમ્મદ સિરાજ અને રજત પાટીદારને સામે બેસાડીને તેમનો ઇન્ટરવ્યૂ લેવાનો શરૂ કરી દીધો.
સૌથી પહેલાં કાર્તિકે ચારેયને પૂછ્યું, ‘તમે ચારેય મને વારાફરતી કહો કે ક્રિકેટર સિવાયના મારા ફેવરિટ સ્પોર્ટસપર્સન વિશે જાણો છો? કોણ હશે એ?’
કોહલી તરત જ બોલ્યો, ‘તારી પત્ની’.
કાર્તિક તરત જ કોહલીના જવાબ સાથે સહમત થયો, પણ તેણે (કાર્તિકે) મજાકમાં એવું પણ કહ્યું, ‘તેં તરત સરસ જવાબ આપી દીધો, પણ મારા મગજમાં કોઈક બીજું જ નામ હતું. ખરેખર, તેં તો મને આશ્ર્ચર્યમાં જ મૂકી દીધો.’
દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ દેશની ટોચની સ્ક્વૉશ ખેલાડી છે. કાર્તિક અને દીપિકાએ 2015માં ચેન્નઈમાં તેલુગુ-નાયડુ હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યાં હતાં. દીપિકા 2022માં ગ્લાસગૉમાં વર્લ્ડ ડબલ્સ ચૅમ્પિયન બની હતી, 2014ની કૉમનવેલ્થ ગેમ્સમાં ડબલ્સનો ગોલ્ડ મેડલ જીતી હતી તેમ જ 2022ની એશિયન ગેમ્સમાં મિક્સ્ડ-ડબલ્સનો સુવર્ણચંદ્રક પણ જીતી હતી. કાર્તિક-દીપિકાને ટ્વિન્સ પુત્રો છે. તેઓ ત્રણ વર્ષના છે. 2021માં તેમને જન્મ આપ્યા પછી પણ દીપિકા સ્ક્વૉશમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કરી રહી છે.