બૅટિંગ દરમ્યાન કોહલી બોલતો ‘ઓમ નમ: શિવાય’, ગંભીરે અઢી દિવસ હનુમાન ચાલીસા સાંભળ્યા હતા!
નવી દિલ્હી/ચેન્નઈ: ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ ગૌતમ ગંભીર અને સ્ટાર-બૅટર વિરાટ કોહલી, બન્ને દિલ્હીના છે તેમ જ બૅટર તરીકે બન્નેની છાપ આક્રમક તરીકેની છે અને જે ખરું લાગે એ કહી દેવાનો તેમનો એકસરખો અભિગમ પણ રહ્યો છે. જોકે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી (આસ્થાની બાબતમાં) બન્નેની પસંદગી ભિન્ન છે.
થોડા વર્ષો પહેલાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે ગંભીર અને કોહલી મિત્ર ભાવે સામસામે બેસીને ગહન ચર્ચા કરશે. બીસીસીઆઇએ પોતાની સત્તાવાર વેબસાઇટ માટે યોજેલી આ ચર્ચામાં ગંભીર-કોહલીએ એકમેક વચ્ચેની ઘણી સામ્યતાનો ઉલ્લેખ કર્યો હતો.
કોહલીએ જ્યારે ગંભીરને ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની ભૂતકાળની સિરીઝ વિશેની ચર્ચા દરમ્યાન ગંભીરના ધૈર્યભર્યા અભિગમ વિશે જાણવા તેને સવાલ કર્યો ત્યારે ગંભીરે તેને સામું કહ્યું કે ‘હું મારા વિશે કહું એ પહેલાં તેં ત્યારે મને જે કહેલું એની વાત કરીએ. મને યાદ છે કે ત્યારે ઑસ્ટ્રેલિયામાં રમાયેલી સિરીઝ તારા માટે બમ્પર હતી. તે એમાં ઢગલાબંધ રન કર્યા હતા. ત્યારે તું મને કહેતો હતો કે તું દરેક બૉલ રમતા પહેલાં ‘ઓમ નમ: શિવાય’ બોલતો હતો.’ ગંભીરની આ વાત સાથે કોહલીએ સંમતિ દર્શાવી હતી.
ન્યૂ ઝીલૅન્ડમાં રમાયેલી એક ટેસ્ટમાં ગંભીરે બે દિવસ અને બીજા અડધા સેશનમાં કુલ 436 બૉલનો સામનો કરીને 136 રન બનાવ્યા હતા. ગંભીરની એ ઇનિંગ્સ પોણા અગિયાર કલાક સુધી ચાલી હતી. ગંભીરે નૅપિયર ખાતેની એ મૅચની વાત કરતા કોહલીને કહ્યું હતું કે ‘મને નથી લાગતું કે હું ફરી ક્યારેય એવી ઇનિંગ્સ રમી શક્યો હતો. ત્યારે મૅચમાં મારી ઇનિંગ્સના સતત અઢી દિવસ મેં મોકો મળ્યો ત્યારે હનુમાન ચાલીસા સાંભળ્યા હતા.
ગંભીરે કોહલીને ચર્ચા દરમ્યાન એવું પણ કહ્યું કે ‘પાંચમા દિવસે હું પૅવિલિયનમાં પાછો જઈ રહ્યો હતો ત્યારે વીવીએસ લક્ષ્મણે મને કહ્યું કે દોસ્ત, તું જાણે છે, છેલ્લાં બે કલાક દરમ્યાન તું એક શબ્દ નહોતો બોલ્યો, બે ઓવર વચ્ચે પણ નહીં.’