મહિલા આરસીબીની ચૅમ્પિયન ટીમ સાથે વીડિયોથી કનેક્ટ થયા બાદ કોહલી પણ નાચ્યો
કૅપ્ટન મંધાના અને તેની ટીમ બોલી, ‘ઈ સાલા કપ નામદે’
નવી દિલ્હી: રવિવારે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)ની બીજી સીઝનની ચૅમ્પિયન ટીમ બન્યા બાદ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની કૅપ્ટન સ્મૃતિ મંધાના અને તેની સાથી ખેલાડીઓ તેમ જ કોચિંગ સ્ટાફ મેદાન પર જ વિજયના સેલિબ્રેશનમાં ખૂબ નાચ્યાં હતાં અને એ જ ઘડીએ તેમણે વીડિયો મારફત મેન્સ આરસીબીના ભૂતપૂર્વ કૅપ્ટન અને મુખ્ય બૅટર વિરાટ કોહલી સાથે સંપર્ક કર્યો હતો.
મેન્સ આઇપીએલમાં આરસીબીની ટીમ 16 વર્ષમાં નથી જીતી શકી એ ટાઇટલ વિમેન આરસીબીએ બીજા જ વર્ષે જીતી લીધું છે. મેન્સ આરસીબી ટીમ 2009, 2011 અને 2016માં આઇપીએલની ફાઇનલમાં પહોંચી હતી, પણ ટાઇટલ જીતવામાં નિષ્ફળ ગઈ હતી.
કોહલીએ સૌથી પહેલાં તો વિમેન્સ આરસીબીની આખી ટીમને બીજી જ સીઝનમાં ટાઇટલ જીતવા બદલ હાર્દિક અભિનંદન આપ્યા હતા. કોહલીના ‘થમ્બ્સ અપ’નો સંકેતના જવાબમાં સ્મૃતિ મંધાનાએ પણ એ સાઇનમાં તેનું અભિવાદન કર્યું હતું. જોકે કોહલી અભિનંદન આપતી વખતે બીજું શું બોલ્યો એ મંધાનાને નહોતું સંભળાયું, પણ આરસીબીની ખેલાડીઓને મેદાન પર નાચી રહેલાં જોઈને કોહલીથી પણ નહોતું રહેવાયું અને તે પણ નાચવા લાગ્યો હતો.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિમયમમાં વિમેન આરસીબીના ઐતિહાસિક વિજય બાદ હજારો પ્રેક્ષકોમાં પણ અભૂતપૂર્વ રોમાંચ હતો અને ખેલાડીઓને વીડિયોમાં કોહલી સાથેના કનેક્ટ થયા બાદ મંધાનાની ટીમને નાચી રહેલી જોઈને પ્રેક્ષકો પણ ઝૂમવા લાગ્યા હતા અને ‘કોહલી…કોહલી…’ની બૂમો પાડવા લાગ્યા હતા.
મંધાના અને તેની સાથી ખેલાડીઓ રવિવારે ચૅમ્પિયન બન્યા પછી આનંદના આવેશમાં વારંવાર બોલી હતી, ‘ઈ સાલા કપ નામદે’ (આ વર્ષે કપ આપણો છે).
રવિવારની ફાઇનલમાં દિલ્હી કૅપિટલ્સની ટીમ બૅટિંગ પસંદ કર્યા પછી ફક્ત 113 રન બનાવી શકી હતી. આરસીબીની સ્પિનર શ્રેયંકા પાટીલે ચાર વિકેટ, સૉફી મૉલીન્યૂક્સે ત્રણ અને આશા શોભનાએ બે વિકેટ લીધી હતી. આરસીબીએ મંધાનાનાં 31 રન, સૉફી ડિવાઇનનાં 32 રન અને એલીસ પેરીનાં અણનમ 35 રન તેમ જ રિચા ઘોષનાં અણનમ 17 રનની મદદથી 19.3 ઓવરમાં બે વિકેટે 115 રન બનાવીને વિજય મેળવી લીધો હતો.