પુણેઃ પુણે ખાતે વર્લ્ડકપ-2023ની બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ રમાઈ રહી છે અને આ મેચમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. બોલિંગ કરતી વખતે હાર્દિકને ઈજા થઈ હતી, પરંતુ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી ટ્રેન્ડ થવા લાગ્યો હતો. આવો જોઈએ કે આખરે કેમ આવું થયું?
વાત જાણે એમ છે કે નવમી ઓવરમાં હાર્દિક પંડ્યા ઈન્જર્ડ થયો હતો અને તેને ગ્રાઉન્ડ પરથી બહાર જવું પડ્યું હતું. હાર્દિકની આ ઓવર પૂરી કરવા માટે વિરાટ કોહલી આવ્યો હતો. ટીમ ઈન્ડિયાના ધૂરંધર બેટ્સમેન વિરાટ કોહલી છ વર્ષ બાદ વનડે ઈન્ટરનેશનલ ફોર્મેટમાં બોલિંગ કરતો જોવા મળ્યો હતો અને બસ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો.
હાર્દિકને ઈજા થતાં જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક બોલ્ડ નિર્ણય લીધો અને નવમી ઓવરના ત્રણ બોલ નાખવા માટે વિરાટ કોહલીને બોલિંગ કરવા માટે બોલ આપી દીધો. વિરાટે પણ પોતાના કેપ્ટનનો વિશ્વાસ જાળવી રાખતા ત્રણ બોલમાં બે જ રન આપ્યા હતા.
સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની બોલિંગનો વીડિયો જોરદાર વાઈરલ થઈ રહ્યો છે. વિરાટ કોહલીએ 15મી ઓગસ્ટ, 2017ના કોલંબો ખાતે શ્રીલંકા સામે રમાયેલી વનડે મેચમાં બોલિંગ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશ સામેની આ મેચમાં ભારતને શરૂઆતમાં જ ટીમ ઈન્ડિયાને મોટો આંચકો લાગ્યો હતો અને હાર્દિક પંડ્યા બહાર જતો રહ્યો હતો. હાર્દિકની ઓવર પૂરી કરવા માટે વિરાટ કોહલી આવ્યો અને તેની જગ્યાએ ફિલ્ડિંગ કરવા માટે સૂર્યકુમાર આવ્યો હતો. દર્શકોએ તાળીઓના ગડગડાટથી વિરાટ કોહલીનું અભિવાદન કર્યું હતું.