કોહલી 58 રન બનાવશે એટલે 147 વર્ષના ઇતિહાસમાં તેના નામે લખાશે અનોખો વિક્રમ
ચેન્નઈ: ભારતીય ક્રિકેટર્સનું દોઢ મહિનાનું વેકેશન પૂરું થવાની તૈયારીમાં છે અને ખેલાડીઓ પાછા મેદાન પર ઊતરશે એટલે વિવિધ ફૉર્મેટોમાં રસાકસી જામશે અને નવા વિક્રમો રચાવાની શરૂઆત થઈ જશે. વિરાટ કોહલી હંમેશાં ટૉક ઑફ ધ ટાઉન રહેતો હોય છે. તે મેદાન પર હોય એટલે કૅમેરા સૌથી વધુ તેના પર તાકવામાં આવ્યો હોય છે અને સાથીઓના સેલિબ્રેશનમાં પણ તે કાયમ અગ્રેસર હોય છે. આવનારા બે અઠવાડિયામાં તેનું નામ ફરી ગૂંજવા લાગશે. એનું કારણ એ છે કે તેને 147 વર્ષના આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં કોઈએ ન મેળવી હોય એવી સિદ્ધિ તેના નામે લખાશે.
19મી સપ્ટેમ્બરે ચેન્નઈમાં બાંગ્લાદેશ સામે બે મૅચવાળી ટેસ્ટ સિરીઝની પ્રથમ મૅચ શરૂ થશે. કોહલી (ટેસ્ટ, વન-ડે અને ટી-20 સહિતની) ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં 27,000 રનના મૅજિક ફિગરથી ફક્ત 58 રન દૂર છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000 કે એનાથી વધુ રન ફક્ત ત્રણ બૅટર્સના નામે છે અને હવે 26,942 રન બનાવનાર કોહલી 58 રન બનાવશે એટલે તેમની હરોળમાં આવી જશે.
બાંગ્લાદેશ સામેની આગામી ટેસ્ટમાં 58 રન બનાવતાં જ કોહલીના 27,000 રન પૂરા થશે. આ ત્રણ બૅટર્સ તેની આગળ છે: સચિન તેન્ડુલકર (782 ઇનિંગ્સમાં 34,357 રન), કુમાર સંગકારા (666 ઇનિંગ્સમાં 28,016 રન) અને રિકી પૉન્ટિંગ (668 ઇનિંગ્સમાં 27,483 રન).
આ પણ વાંચો : વિરાટ કોહલી હોય તો પણ શું, પત્નીની શૉપિંગ બેગ્સ તો ઉપાડવી જ પડે ને!
147 વર્ષના ક્રિકેટના ઇતિહાસમાં નવો રેકૉર્ડ એ બનવાનો છે કે કોહલી કુલ 600થી પણ ઓછી ઇનિંગ્સમાં 27,000 ઇન્ટરનૅશનલ રન પૂરા કરનારો વિશ્ર્વનો પહેલો ક્રિકેટર બનશે. કોહલીએ અત્યાર સુધીમાં 26,942 રન 591 ઇનિંગ્સમાં બનાવ્યા છે.
ઇન્ટરનૅશનલ સેન્ચુરીઝમાં કોહલી માત્ર ક્રિકેટિંગ-ગૉડ સચિનથી પાછળ છે. સચિને કુલ 100 ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારી હતી, જ્યારે કોહલીના નામે 80 સદી છે. પૉન્ટિંગે 71 અને સંગકારાએ 63 સેન્ચુરી ફટકારી હતી.
કોહલીએ 26,942 રનમાંથી 8,848 રન ટેસ્ટમાં, 13,906 રન વન-ડેમાં અને 4188 રન ટી-20મા બનાવ્યા છે.
કોના કેટલી ઇનિંગ્સમાં કેટલા આંતરરાષ્ટ્રીય રન?
પ્લેયર | ઇનિંગ્સ | રન | સેન્ચુરી | હાફ સેન્ચુરી | ફોર | સિક્સર |
સચિન | 782 | 34,357 | 100 | 164 | 4076+ | 264 |
સંગકારા | 666 | 28,016 | 63 | 153 | 3015 | 159 |
પૉન્ટિંગ | 668 | 27,483 | 71 | 146 | 2781 | 246 |
કોહલી | 591 | 26,942 | 80 | 140 | 2662 | 301 |
જયવર્દને | 725 | 25,957 | 54 | 136 | 2679 | 170 |