સચિન અને પોન્ટિંગની ક્લબમાં સામેલ થયો વિરાટ
પુણે: ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ ગુરુવારે (૧૯ ઓક્ટોબર) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. વિરાટે બંગલાદેશ સામેની મેચમાં ૭૭ પુરા કર્યા એ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૬ હજાર રન પૂરા કર્યા હતા. તે મહાન બેટ્સમેન સચિન તેંડુલકર, ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાની ક્લબમાં સામેલ થઇ ગયો છે. વિરાટે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દનેને પાછળ છોડી દીધો હતો.
સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ૩૪,૩૫૭ રન કર્યા છે. તેના પછી કુમાર સંગાકારા બીજા સ્થાને છે. તેના ૨૮,૦૧૬ રન છે. જ્યારે રિકી પોન્ટિંગ ૨૭,૪૮૩ રન સાથે ત્રીજા સ્થાને છે. મહેલા જયવર્દને ૨૫,૯૫૭ રન કર્યા છે.
વિરાટ કોહલીએ આ વર્લ્ડ કપમાં ત્રીજી વખત ૫૦થી વધુ રન કર્યા છે. ઑસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે ૮૫ રનની ઇનિંગ રમી હતી. જે બાદ તેણે અફઘાનિસ્તાન સામે અણનમ ૫૫ રન કર્યા હતા. તે પાકિસ્તાન સામે માત્ર ૧૬ રન કરી શક્યો હતો. કોહલીએ પોતાની વન-ડે કારકિર્દીની ૪૮મી સદી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૮મી સદી ફટકારી હતી. તે હવે વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર સચિન તેંડુલકરના રેકોર્ડથી માત્ર એક ડગલું દૂર છે. તેંડુલકરના નામે ૪૯ સદી છે. કોહલીએ વર્લ્ડ કપમાં પોતાની ત્રીજી સદી ફટકારી છે. તેણે આઠ વર્ષ બાદ ટૂર્નામેન્ટમાં સદી ફટકારી હતી. વિરાટે વર્લ્ડ કપમાં છેલ્લી સદી ૨૦૧૫માં પાકિસ્તાન સામે એડિલેડમાં ફટકારી હતી.