વિરાટ કોહલી ડોમેસ્ટિકને બદલે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ રમવાની પેરવીમાં છે?

નવી દિલ્હીઃ રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલીએ પાછા ફૉર્મમાં આવવા રણજી ટ્રોફી સહિતની ડોમેસ્ટિક મૅચોમાં રમવી જોઈએ એવી સલાહ રવિ શાસ્ત્રી જેવા દિગ્ગજો જાહેરમાં આપી રહ્યા છે ત્યાં બીજી બાજુ અહેવાલ મળ્યો છે કે વિરાટ ઇંગ્લૅન્ડ ખાતેની જૂન મહિનાની ટૂર પહેલાં ફરી ફૉર્મ મેળવવા ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં રમવા વિચારી રહ્યો છે.
વિરાટ ખાસ કરીને ટેસ્ટ-કરીઅર બચાવવા આવું કરશે એવું માનવામાં આવે છે. ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝની નવ ઇનિંગ્સમાં પર્થની પ્રથમ ટેસ્ટની અણનમ હાફ સેન્ચુરી (100 રન)ને બાદ કરતા તે બાકીની તમામ આઠ ઇનિંગ્સમાં (5, 11, 7, 3, 5, 36, 6 અને 17) ખરાબ રમ્યો હતો. એ તમામ આઠ દાવમાં તે ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં કૅચ આપી બેઠો હતો. તેની આ ખામીને લીધે જ ભારત 1-3થી સિરીઝ હારી ગયું એમ કહીએ તો પણ ખોટું નથી.
ક્રિકેટ વર્તુળોમાં ચર્ચા છે કે ઑફ સ્ટમ્પની બહારના બૉલમાં વિકેટ ગુમાવવાની કચાશ તે શું ડોમેસ્ટિક ક્રિકેટમાં નહીં દૂર કરી શકે? શું કાઉન્ટીમાં જ એ દૂર થઈ શકે? ઇંગ્લૅન્ડમાં જૂનમાં રમવા જવાનું હોવાથી ત્યાંના વાતાવરણનો તેમ જ ત્યાંની પિચનો અનુભવ લેવા માટે તે વિચારી રહ્યો હોય એ વાત સાચી, પણ ડોમેસ્ટિકમાં તેના જેવો પીઢ ખેલાડી રમવાથી યુવા પેઢીનો ઉત્સાહ ખૂબ વધી શકે અને સામાન્ય રીતે ક્રિકેટપ્રેમીઓનો ડોમેસ્ટિક ક્રિકેટ પ્રત્યેનો ઝોક પણ વધી શકે એ વાત કોઈ પણ નકારી નહીં શકે.
આ પણ વાંચો: પાકિસ્તાન પાસેથી ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ આંચકી લેવાશે?
વિરાટ ડોમેસ્ટિકમાં છેલ્લે 2012માં (13 વર્ષ પહેલાં) દિલ્હી વતી રમ્યો હતો. ત્યાર પછી તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઉપરાંત આઇપીએલ પર જ લક્ષ આપ્યું છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં વિરાટે રમવું જ જોઈએ એ પાછળનું કારણ એ છે કે હાલમાં તેની બૅટિંગ-ટેક્નિક તેમ જ માનસિકતા સૌથી મોટા બે પ્રશ્નો છે. ટી-20 ઇન્ટરનૅશનલમાંથી વિરાટ રિટાયર થઈ ચૂક્યો છે. હાલમાં તો તેને ઇંગ્લૅન્ડ સામે થોડા જ દિવસમાં ઘરઆંગણે રમાનારી વન-ડે સિરીઝ તેમ જ ત્યાર પછીની વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ડોમેસ્ટિકની મૅચ-પ્રૅક્ટિસની ખાસ જરૂર છે.
કાઉન્ટી મૅચોનું શેડ્યૂલ કદાચ આઇપીએલની મૅચો સાથે ટકરાશે એટલે એ કારણસર તે કાઉન્ટીમાં રમવાનું ટાળે તો વાત અલગ છે, પરંતુ એક રીતે તેને કાઉન્ટીનો પ્રથમ અનુભવ ફાયદો પણ કરાવી શકે. થોડા સમયથી વિરાટને સ્વિંગ થતા બૉલ ખૂબ પરેશાન કરી રહ્યા છે. એ રમવામાં રહેલી કચાશ દૂર કરીને તે ઇંગ્લૅન્ડમાં ઝળકી શકે અને ફરી ભારતીય ટીમ માટે અમૂલ્ય બની શકે.
હા, ઇંગ્લૅન્ડ હવે વિરાટ અને તેના પરિવારનું `સેક્નડ હોમ’ છે એટલે તે કાઉન્ટીમાં જ રમવાનું વધુ પસંદ કરે તો નવાઈ નહીં.