સ્પોર્ટસ

વિરાટે નિવૃત્તિ વિશે મૌન તોડ્યું, ` દર ચાર દિવસે દાઢીને કલર કરવો પડે તો સમજી જવાનું કે…’

લંડનઃ વિરાટ કોહલીએ 12મી મેએ ટેસ્ટ-ક્રિકેટમાંથી નિવૃત્ત જાહેર કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું ત્યાર પછી સત્તાવાર રીતે કોઈ જ કારણ કે નિવેદન નહોતા આપ્યા, પણ અહીં બે દિવસ પહેલાં યુવરાજ સિંહ (YUVRAJ SINGH) દ્વારા આયોજિત એક ખાસ કાર્યક્રમમાં નિવૃત્તિ બાબતમાં જાહેરમાં મૌન તોડ્યું હતું.

યુવરાજના યુવીકૅન’ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ચૅરિટી પ્રોગ્રામ અને ડિનર વખતે વિરાટે દિગ્ગજોની હાજરીમાં ટેસ્ટની નિવૃત્તિ (RETIREMENT)નું કારણ સ્પીચ દરમ્યાન આડકતરી રીતે જણાવ્યું હતું.

આપણ વાંચો: હવે જાણી લો વિરાટ કોહલી અને અનુષ્કા ક્યાં રહે છે, વાત વાતમાં ક્રિકેટરે રિવીલ કર્યું

વિરાટને સ્ટેજ પર બોલાવવામાં આવ્યો ત્યારે ઍન્કર ગૌરવ કપૂરે તેને ટેસ્ટના રિટાયરમેન્ટ વિશે પૂછ્યું ત્યારે વિરાટ બોલ્યો, મેં હજી બે જ દિવસ પહેલાં મારી દાઢીને કાળો કલર કર્યો છે. જ્યારે દર ચાર દિવસે દાઢીને કલર કરવો પડે ત્યારે સમજી જવાનું કે (નિવૃત્ત લેવાનો) સમય આવી ગયો છે.’

વિરાટનું આ કથન સાંભળીને હૉલમાં ઉપસ્થિત તમામ મહેમાનો હસી પડ્યા હતા. આ કાર્યક્રમના મીટ ઍન્ડ ગ્રીટ’ સત્ર દરમ્યાન ક્રિસ ગેઇલ, રવિ શાસ્ત્રી તથા કેવિન પીટરસન સહિત ઘણા ક્રિકેટરો અને અન્ય મહાનુભાવો હાજર હતા. મંચ પર વિરાટ શરૂઆતથી નહોતો, પણ પછીથી તે પણ ગેઇલ, શાસ્ત્રી, પીટરસન સાથે જોડાયો હતો.

આપણ વાંચો: એજબેસ્ટન ટેસ્ટમાં ભારતની શાનદાર જીત વિરાટ કોહલી ખુશખુશાલ; જાણો શું કહ્યું

આ ચૅરિટી કાર્યક્રમમાં શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ તેમ જ હેડ કોચ ગૌતમ ગંભીર, મહાન ખેલાડીઓ સચિન તેન્ડુલકર, બ્રાયન લારા પણ ઉપસ્થિત હતા. સચિનના પરિવારે પણ આ ફંક્શનમાં હાજરી આપી હતી.

વિરાટે મંચ પરથી ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ હેડ-કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)ની ખૂબ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે જો મને શાસ્ત્રીનો સપોર્ટ ન મળ્યો હોત તો મારી કરીઅર અત્યારે છે એવી કદાચ ન હોત.

ખરું કહું તો રવિભાઈ સાથે કામ કરવાનો અવસર ન મળ્યો હોત તો મારી ટેસ્ટ કારકિર્દીમાં જે સુંદર વળાંકો આવ્યા એ ન આવ્યા હોત. રવિભાઈ પ્રેસ કૉન્ફરન્સોમાં જે રીતે મને ટેકો આપતા હતા એવું ભાગ્યે જ જોવા મળતું હોય છે. તેઓ મારી સફરના મુખ્ય હિસ્સો હતા એમ કહું તો જરાય ખોટું નથી.’

વિરાટે ટી-20 ઇન્ટરનૅશનલ અને ટેસ્ટમાંથી રિટાયરમેન્ટ લઈ લીધું છે અને હવે વન-ડેમાં રમતો રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button