વિનોદ કાંબળીની તબિયત લથડી છે કે દારૂની અસર?
મુંબઈ: સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે જેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબળી બરાબર ચાલી નહોતો શક્તો અને કેટલાક લોકોની મદદથી તે ઑટો તરફ લઈ જઈ રહેલા જોવા મળ્યા હતા.
તેની તબિયત કેમ આટલી બધી ખરાબ થઈ ગઈ અને ખરેખર તેને શું થયું છે એ વિશે કોઈ જાણ નહોતી થઈ. કેટલાકની એવી ધારણા હતી કે તેણે વધુ પડતો દારૂ પી લીધો હશે. જોકે કેટલાકનું માનવું હતું કે તેની તબિયત ફરી બગડી ગઈ હોય એવું લાગે છે.
કાંબળી બાવન વર્ષનો છે. 2013માં તેને ડ્રાઇવિંગ દરમ્યાન હાર્ટ અટૅક આવ્યો હતો. ત્યારે એક પોલીસ કર્મચારી તેને લીલાવતી હૉસ્પિટલમાં લઈ ગયો હતો અને તેનો જાન બચી ગયો હતો.
કાંબળીએ થોડા વર્ષ પહેલાં ઍન્જિયોપ્લાસ્ટી પણ કરાવી હતી.
કાંબળી ભારત વતી 104 વન-ડે રમ્યો હતો જેમાં તેણે 2,477 રન બનાવ્યા હતા. 17 ટેસ્ટમાં તેણે 1,084 રન બનાવ્યા હતા. જોકે ઈજા અને નબળા ફૉર્મને લીધે તેણે ઘણી વાર ભારતીય ટીમમાંથી સ્થાન ગુમાવ્યું હતું અને લગભગ નવ વાર તેણે ટીમમાં કમબૅક કર્યું હતું.