વિનેશ ફોગાટે ઑલિમ્પિક વિલેજ છોડ્યું, અદાલતી કેસના ફેંસલાની ઘડી નજીક આવી પહોંચી
પૅરિસ: કુસ્તીબાજ વિનેશ ફોગાટ ભારત આવવાની તૈયારી કરી છે અને બીજી બાજુ તેના કેસ પરની આજની સુનાવણીનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ગયું છે. દરમ્યાન એવી બાતમી મળી છે કે ફોગાટ ક્લોઝિંગ સેરેમનીના બીજા દિવસે (સોમવારે) ઍથ્લીટો માટેના ઑલિમ્પિક વિલેજમાંથી રવાના થઈ ગઈ હતી જેનો વીડિયો વાયરલ થયો છે.
વિનેશ ફોગાટે સંયુક્ત સિલ્વર મેડલની માગણી કરી છે.
એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ ફોગાટની તબિયત હવે સારી છે અને થોડું-થોડું ખાવાની શરૂઆત તેણે કરી છે. જોકે 50 કિલો ગ્રામ વર્ગની કુસ્તીની ફાઇનલમાંથી ડિસ્ક્વૉલિફાય થયા પછી તેણે કોઈની પણ સાથે બોલવાનું બંધ કરી દીધું હતું અને હજી પણ કોઈની સાથે બોલતી જ નથી.
20 વર્ષીય ફોગાટ એક-બે દિવસમાં ભારત પાછી આવશે ત્યારે શું પ્રતિક્રિયા આપશે એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ તેના કેસ પરનો ચુકાદો અન્ય કેટલાક કિસ્સાઓને પણ કદાચ ફરી ઉખેળશે તો નવાઈ નહીં.
વિનેશ ફોગાટ ઑલિમ્પિક ગેમ્સમાં મહિલા કુસ્તીની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર છે. કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રણ વખત ચૅમ્પિયન બનેલી ફોગાટે 50 કિલો વજન કૅટેગરીની ઇવેન્ટમાં ભાગ લીધો હતો અને એમાં તેનું વજન 100 ગ્રામ વધુ જણાતાં તેને ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવી હતી. તેણે આ ડિસ્ક્વૉલિફિકેશન બાદ રેસલિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેણે કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફૉર સ્પોર્ટ (સીએએસ) સમક્ષ સુનાવણીમાં કહ્યું હતું કે ‘મેં મારા વજનની બાબતમાં કોઈ પ્રકારની છેતરપિંડી નહોતી કરી. મારા શરીરના વજનમાં જે 100 ગ્રામ વધારાનું વજન બતાવાયું એ માત્ર શારીરિક પ્રક્રિયાના ભાગરૂપે જ વધ્યું હતું.’
ફોગાટ પ્રથમ દિવસે ત્રણ બાઉટમાં લડી હતી અને એ ઇવેન્ટ્સ પહેલાં તેણે વેઇ-ઇન ક્લિયર કર્યું હતું, પણ ફાઇનલ પહેલાંની વજનની ચકાસણીમાં તેનું વજન 100 ગ્રામ વધુ આવ્યું હતું.
ફોગાટને યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ)એ ગેરલાયક ઠરાવી છે. જોકે સીએએસના ન્યાયાધીશો દ્વારા યુડબ્લ્યૂડબ્લ્યૂના નીતિ-નિયમોની સમીક્ષા થઈ રહી હોવાનું મનાય છે.
Also Read –