વિનેશ ફોગાટની જોરદાર દલીલો સાંભળીને અદાલતે કહ્યું, હવે અમારો ફેંસલો…

પૅરિસ: પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે માત્ર 100 ગ્રામ વધુ વજનને કારણે ફાઇનલમાંથી થયેલા પોતાના ડિસ્ક્વૉલિફિકેશન બાબતમાં જે અપીલ કરી છે એની સુનાવણી શુક્રવારે બપોર પરથી સાંજ પર મુલતવી રાખવામાં આવી અને ત્યાર બાદ એવું જાહેર કરવામાં આવ્યું હતું કે હવે આ અપીલ પરનો ફેંસલો આ ઑલિમ્પિક ગેમ્સનો અંત આવશે ત્યાં સુધીમાં આપી દેવાશે. ફોગાટ તરફથી કોર્ટ ઑફ આર્બિટ્રેશન ઑફ સ્પોર્ટ્સ (સીએએસ)માં જોરદાર દલીલો થઈ હતી જેને પગલે અદાલતે ફેંસલો આવનારા દિવસો પર મોકૂફ રાખ્યો હતો.
પૅરિસ ઑલિમ્પિક ગેમ્સ રવિવાર, 11મી ઑગસ્ટે પૂરી થશે. ફોગાટે ખાસ કરીને છ પ્રકારની દલીલ કરી છે. ફોગાટને ડિસ્ક્વૉલિફાય કરવાનું પગલું યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ)એ લીધું છે. આ કેસ સીએએસના એકમાત્ર આર્બિટ્રેટર ઑસ્ટ્રેલિયાનાં માનદ ડૉ. ઍનાબેલ બેનેટને સોંપાયો છે. તેઓ યુડબ્લ્યૂડબ્લ્યૂની દલીલ પણ સાંભળશે.
સીએએસની સ્થાપના 1984માં મધ્યસ્થી દ્વારા ખેલકૂદને લગતા વિવાદમાં ફેંસલો લાવવા માટે કરાઈ હતી.
આ પણ વાંચો : વિનેશ ફોગાટના કેસની સુનાવણી વિલંબમાં…જાણો ક્યારે
ફોગાટે 50 કિલો વર્ગની ફ્રીસ્ટાઇલ કુસ્તીમાં ભાગ લીધો હતો. ફાઇનલ પહેલાં તેનું વજન કરવામાં આવતાં તેનું વજન 100 ગ્રામ વધુ રહેતાં તેને ફાઇનલમાંથી ગેરલાયક ઠરાવવામાં આવી હતી. તેણે બે મુદ્દા ધરાવતી અપીલ કરી હતી. એક અપીલમાં તેણે જણાવ્યું હતું કે તેને 50 કિલો વર્ગની ફાઇનલમાં લડવાની છૂટ આપવામાં આવે. તેણે સીએએસને કરેલી એ અપીલમાં એવું પણ જણાવ્યું હતું કે તેણે વ્યવહારું રીતે અને કાયદાનું પાલન કરીને રેસલિંગની હરીફાઈ પહેલાં વજનને લગતી પ્રક્રિયા પાર કરી હતી અને નિયમ મુજબ ફાઇનલ સુધી પહોંચી હતી એટલે ફાઇનલમાં લડવાની તેને મંજૂરી મળવી જોઈએ. જોકે સીએએસ તરફથી એ અપીલ પર ચુકાદો આપી દેવાયો છે. કોર્ટે તેને ‘નહીં’ એવો ફેંસલો આપી દીધો હતો.
હવે ફોગાટની બીજી અપીલ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. એ અપીલમાં તેણે કહ્યું છે કે તે સિલ્વર મેડલને પાત્ર છે એટલે તેને કમસે કમ જોઇન્ટ સિલ્વર મેડલ તો મળવો જ જોઈએ.
ફોગાટને ગેરલાયક ઠરાવવામાં આવી ત્યાર બાદ તેણે સેમિ ફાઇનલમાં જેને હરાવી હતી એ ક્યૂબાની યુસ્નેલિસને ફાઇનલમાં જવા મળ્યું હતું. જોકે ફાઇનલમાં યુસ્નેલિસનો અમેરિકાની સારા હિલ્ડેબ્રૅન્ડ્ટ સામે પરાજય થતાં સારા ગોલ્ડ જીતી અને યુસ્નેલિસને સિલ્વર મેડલ મળ્યો છે. બેમાંથી એક બ્રૉન્ઝ મેડલ જાપાનની યુઇ સુસાકીને અને બીજો ચીનની ફેન્ગ ઝિકીને અપાયો છે.
ફોગાટના પોતાના વકીલ આ કેસ લડી રહ્યા છે તેમ જ ભારત સરકાર તરફથી જાણીતા ધારાશાસ્ત્રી હરીશ સાળવેને આ કેસ લડવા મોકલવામાં આવ્યા છે.
ફોગાટે શુક્રવારે પૅરિસમાં ઑલિમ્પિક્સ માટેની અદાલતમાં (સીએએસમાં) જે છ પ્રકારની દલીલ કરી હતી એ આ મુજબ હતી:
(1) મેં કોઈ પણ પ્રકારની છેતરપિંડી (ચાલબાજી કે બદઇરાદાથી ગેરરીતિ) નથી કરી.
(2) શરીરમાં કુદરતી રીતે જે રિકવરી પ્રોસેસ રહેતી હોય છે એને કારણે જ મારું વજન એ દિવસે નજીવું વધી ગયું હતું.
(3) પોતાના શરીરની ખાસ કાળજી લેવી એ ઍથ્લીટનો પાયાભૂત અધિકાર છે.
(4) હરીફાઈના પ્રથમ દિવસે મારા શરીરનું વજન નિર્ધારિત મર્યાદામાં જ હતું.
(5) મારા શરીરનું વજન ફક્ત રિકવરી પ્રોસેસના ભાગરૂપે જ નજીવું વધ્યું હતું અને એ કોઈ છેતરપિંડી ન કહેવાય.
(6) શરીરનું વજન જો આખી ઇવેન્ટ દરમ્યાન ઘટી ગયું હોય તો શરીરને પૂર્વવત સ્થિતિમાં લાવવા (રીચાર્જ કરવા) જરૂરી ન્યૂટ્રિઅન્ટ્સ લેવા જ પડે.