સ્પોર્ટસ

વિનેશ ફોગાટ શનિવારે સવારે 10.00 વાગ્યે આવે છે! નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચવાનો સંકેત આપ્યો

નવી દિલ્હી: વિનેશ ફોગાટ પૅરિસ ઑલિમ્પિક્સમાં 100 ગ્રામ વધુ વજનવાળા પ્રકરણમાં છેવટે જોઇન્ટ સિલ્વર મેડલથી પણ વંચિત રહી ત્યાર બાદ હવે ભારત પાછી આવી રહી છે અને સ્વદેશ પરત આવતાં પહેલાં તેણે સોશિયલ મીડિયા પરની ભાવુક પોસ્ટમાં લખ્યું છે કે ‘ક્યારેક બહુ ભિન્ન સંજોગો આપણે સામે આવી જતા હોય છે.’ આવું જણાવીને ફોગાટે સંકેત આપ્યો હતો કે તે 2032ની ઑલિમ્પિક્સ સુધી કુસ્તી લડશે, કારણકે તે હજી ઘણું લડી શકે એમ છે.

ફોગાટે ફાઇનલમાંથી પોતે ગેરલાયક ઠરાવાઈ એને પગલે હતાશામાં આવીને રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું. જોકે હવે તે સગાં-સંબંધીઓ અને મિત્રોના આગ્રહથી નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચવા વિચારતી હોય એવો અણસાર આપી રહી છે.ફોગાટે પોસ્ટમાં લખ્યું છે, ‘હું એટલું ખાસ કહેવા માગું છું કે અમે હિંમત નહોતા હાર્યા અને લડત છોડી નહોતી. અમારા પ્રયત્નો અટક્યા નહોતા અને અમે શરણાગતિ પણ નહોતી સ્વીકારી. હા, મારા માટે સમય ઠીક નહોતો અને પછી નસીબ પણ બદલાઈ ગયું.’

ફોગાટે ફાઇનલ અગાઉ બીજા દિવસના વેઇ-ઇન પહેલાં (પોતાનું વજન ઘટાડવા કરેલા પ્રયત્નો) વિશેની વાત આ પોસ્ટમાં લખી હતી. તેણે એવું પણ લખ્યું હતું કે ‘જીવનમાં, કરીઅરમાં કંઈક તો રંજ રહેશે જ. પરિસ્થિતિ ભલે પહેલા જેવી નહીં હોય, પરંતુ સંજોગો બદલાતાં બની શકે કે હું 2032ની ઑલિમ્પિક્સ સુધી કુસ્તી લડવાનું ચાલુ રાખવાનું નક્કી કરું. કારણ એ છે કે હજી હું ઘણી કુસ્તી લડી શકું એમ છું. મારા કોચ વૉલર અકૉઝ કહે છે કે અશક્ય જેવું કંઈ હોય જ નહીં. ડૉ. દિનશા પારડીવાલા (ભારતીય સંઘના મેડિકલ સ્ટાફના ચીફ) તો મારી દૃષ્ટિએ દૂત જેવા છે.’

ફાઇનલ પહેલાં વિનેશ ફોગાટના 50 કિલો કૅટેગરી સુધીના વજન કરતાં 100 ગ્રામ વધુ વજન નોંધાયું એ વિષયમાં ડૉ. પારડીવાલાની ટીકા સોશિયલ મીડિયામાં થઈ હતી. જોકે આઇઓએના પ્રમુખ પી. ટી. ઉષાએ ડૉ. પારડીવાલાની તરફેણ કરી હતી અને આ ફિયાસ્કો માટે ડૉ. પારડીવાલા જવાબદાર નથી એવું કહ્યું હતું.

ફોગાટે સંદેશમાં લખ્યું છે, ‘ડૉ. પારડીવાલા માત્ર મારા માટે નહીં, પણ ભારતીય સંઘના તમામ ઍથ્લીટો માટે માત્ર ડૉક્ટર નથી, પણ ઈશ્ર્વરે મોકલેલા દૂત છે. હું ઈજાને કારણે વધુ લડવાની હિંમત હારી ગઈ હતી, પરંતુ તેમણે મને આત્મવિશ્ર્વાસ અપાવ્યો અને હું આગળના રાઉન્ડ લડવા તૈયાર થઈ ગઈ હતી. ડૉ. પારડીવાલા પાસે મેં ત્રણ વખત સર્જરી કરાવી છે. બે વાર ઘૂંટણમાં અને એક વખત કોણીમાં. ઍથ્લીટ ગમે એવી ઈજામાંથી કેવી રીતે ફુલ્લી ફિટ થઈ શકે એ હું તેમની પાસેથી શીખી છું. કામ પ્રત્યેની તેમની નિષ્ઠા, વિનમ્રતા અને પ્રામાણિકતાને સલામ. હું હંમેશાં તેમની અને તેમના સ્ટાફની આભારી રહીશ.’ફોગાટે કહ્યું હતું કે ‘હું નાની હતી ત્યારે મેં પિતા ગુમાવ્યા અને માતાને કૅન્સર સામે ઝઝૂમતી જોઈને હું જીવનમાં અને કુસ્તીમાં હરીફને લડત આપવાનું શીખી હતી. હું મારી મમ્મીના સંઘર્ષની સાક્ષી છું. મારા પતિ સોમવીર રાઠીએ પણ હંમેશાં ગમે એવી આકરી પરિસ્થિતિમાં મને રક્ષણ આપ્યું છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button