બેન્ગલૂરુ: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 2008માં શરૂઆત થઈ એ પહેલાં જે પહેલું પ્લેયર્સ-ઑક્શન યોજાયું હતું એમાં વિરાટ કોહલીને પોતે કંઈ પણ કરીને ખરીદી લીધો હતો અને એ સ્માર્ટ-બાય વિશે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ (RCB)ના ભૂતપૂર્વ માલિક અને કરોડો રૂપિયાના સ્કૅમના મામલે ભારતથી ભાગીને બ્રિટનમાં સ્થાયી થયેલા વિજય માલ્યાએ સોશિયલ મીડિયામાં પોતાની જ પીઠ થાબડી એટલે ક્રિકેટપ્રેમીઓએ તેને ટ્રૉલ કરવાનો મોકો ઝડપી લીધો. એક ટ્વિટર-યુઝરે તેના (માલ્યા) વિશે થોડું મંતવ્ય આપ્યા બાદ તેને પૂછી લીધું કે ‘બીજી બધી વાત તો ઠીક છે, તમે બ્રિટનથી પાછા આવવાના છો કે નહીં, એ કહોને!’
Also Read – IPL 2024 : અમદાવાદમાં વિરાટ કોહલીની સુરક્ષાના પગલે RCB એ પ્રેકિટસ સેશન રદ કર્યું હોવાનો દાવો
માલ્યાએ ટ્વિટર પર રાજસ્થાન રૉયલ્સ સામેની પ્લે-ઑફ મૅચ (એલિમિનેટર) માટે આરસીબીને શુભેચ્છા આપી હતી.
2008માં કોહલીના સુકાનમાં ભારતે અન્ડર-19 વર્લ્ડ કપ જીતી લીધો એને પગલે આરસીબીએ (માલ્યાએ) 2008ની સીઝન માટે કોહલીને 30,000 ડૉલરમાં ખરીદ્યો હતો. આરસીબી 16 સીઝનમાં એકેય વાર ટ્રોફી નથી જીત્યું છતાં કોહલી આરસીબી સાથે જોડાયેલો રહ્યો છે અને આરસીબીએ પણ તેને રીટેન કર્યો છે. કોહલી ઘણી વાર કહી ચૂક્યો છે કે તે કરીઅરનો અંત બેન્ગલૂરુમાં લાવવાનું જ પસંદ કરશે.
Also Read – IPL-24 : બેકાબૂ બેન્ગલૂરુ (RCB)ને રાજસ્થાન (RR) રોકી શકશે?
માલ્યાએ ટ્વિટર પર જણાવ્યું છે, ‘મેં 2008માં જ્યારે આરસીબીના ફ્રૅન્ચાઇઝી માટે, વિરાટ માટે બિડ મૂક્યા હતા ત્યારે મારા અંતરમાંથી અવાજ આવ્યો હતો કે આનાથી સારી ચૉઇસ બીજી કોઈ હોત જ નહીં. આ વખતે ફરી મારો અંતરાત્મા કહે છે કે આઇપીએલની ટ્રોફી જીતવા માટે આ વખતે આરસીબીને બેસ્ટ ચાન્સ છે. બેસ્ટ ઑફ લક.’
જોકે માલ્યાના આ ટ્વીટ પરથી આરસીબીના અને કોહલીના ચાહકોએ માલ્યાને નિશાન બનાવીને તેને ટ્રૉલ કરી નાખ્યો હતો. માલ્યા સામાન્ય રીતે બ્રિટનમાં બેઠા-બેઠા ભારતના બૅન્ક હૉલીડેએ જ મીડિયામાં પોસ્ટ મોકલે છે. એક્સ (અગાઉનું નામ ટ્વિટર)ના એક યુઝરે લખ્યું, ‘6-7 વર્ષમાં પહેલી જ વાર માલ્યાએ ટ્વિટર પર કમેન્ટ કરવા હૉલિડે પસંદ નથી કર્યો.’
બીજા એક યુઝરે લખ્યું, ‘ચોર, તું દેવું ચૂકવવાને બદલે ભારતમાંથી જ્યારે નાસી ગયો ત્યારે તારો અંતરાત્મા શું કહેતો હતો એ તો જણાવ.’
ત્રીજા યુઝરે લખ્યું, ‘તારો અંતરાત્મા તને એમ નથી કહેતો કે તારે ભારત પાછા આવી જવું જોઈએ અને સ્ટેડિયમમાં બેસીને આરસીબીની મૅચ જોવી જોઈએ?’