વિજય હઝારે ટ્રોફીઃ ઉત્તર પ્રદેશે આંધ્રપ્રદેશને હરાવ્યું
નવી દિલ્હીઃ ચંદીગઢમાં રવિવારે વિજય હઝારે ટ્રોફીની ગ્રુપ ડીની મેચમાં ઉત્તર પ્રદેશની ટીમે જોરદાર પ્રદર્શન કર્યું અને આંધ્ર પ્રદેશને 49 બોલ બાકી રહેતા છ વિકેટે હરાવ્યું હતું. ઝડપી બોલર કાર્તિક ત્યાગી (3/24), શિવ સિંઘ (3/52) અને યશ દયાલ (2/51)ની બોલિંગની મદદથી ઉત્તર પ્રદેશે આંધ્રપ્રદેશને 46.5 ઓવરમાં 249 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આંધ્રપ્રદેશ તરફથી કરણે સૌથી વધુ 67 રન કર્યા હતા.
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઉત્તર પ્રદેશની ટીમે 41.5 ઓવરમાં ચાર વિકેટે 255 રન કરીન મેચ જીતી લીધી હતી. સમીર રિઝવી (અણનમ 61), ધ્રુવ જુરેલ (અણનમ 57) અને આર્યન જુયાલ (55)એ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.
રાજસ્થાને ગ્રુપ ડીની મેચમાં હિમાચલ પ્રદેશને 43 રને હરાવ્યું હતું. રાજસ્થાને 50 ઓવરમાં સાત વિકેટે 260 રન કર્યા હતા. રાજસ્થાન તરફથી કેપ્ટન દીપક હુડ્ડાએ સૌથી વધુ 77 રનની ઇનિંગ રમી હતી. હિમાચલ પ્રદેશ તરફથી મયંક ડાગરે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં હિમાચલ પ્રદેશની ટીમ 39.5 ઓવરમાં 217 રનમાં સમેટાઈ ગઈ હતી. હિમાચલ પ્રદેશ તરફથી સુમીત વર્માએ સૌથી વધુ 73 રન કર્યા હતા. રાજસ્થાન તરફથી અનિકેત ચૌધરીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
અમદાવાદમાં ગ્રુપ સીની મેચમાં ઉત્તરાખંડે જમ્મુ-કાશ્મીરને પાંચ વિકેટે હરાવ્યું હતું. જમ્મુ-કાશ્મીર તરફથી વિવરંત શર્મા (83) અને શુભમ ખજુરિયા (51)એ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. ઉત્તરાખંડ તરફથી આકાશ (3/66) અને અવનીશ સુધા (2/43)ને વિકેટ મળી હતી. જવાબમાં ઉત્તરાખંડે 45 ઓવરમાં પાંચ વિકેટે 284 રન કરીને મેચ જીતી લીધી હતી. જમ્મુ-કાશ્મીર તરફથી આકિબ નબીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
હિંમત સિંહની અણનમ સદી (અણનમ 132)ની મદદથી દિલ્હીએ અમદાવાદમાં ગ્રુપ-સીની મેચમાં ચંડિગઢને 69 રનથી હરાવ્યું હતું. દિલ્હીએ 50 ઓવરમાં ચાર વિકેટે 279 રન કર્યા હતા. ચંડિગઢ તરફથી મનદીપ સિંહ, સંદીપ શર્મા અને વિષ્ણુ કશ્યપને એક-એક વિકેટ મળી હતી. જવાબમાં ચંદીગઢની ટીમ 44.2 ઓવરમાં 210 રનમાં સમેટાઈ ગઈ હતી.
ગ્રુપ સીની મેચમાં હરિયાણાએ કર્ણાટકને પાંચ વિકેટે હરાવ્યું હતું. સુમિત કુમાર (3/28), અંશુલ કંબોજ (2/29), યુઝવેન્દ્ર ચહલ (2/16) અને નિશાંત (2/22)ની શાનદાર બોલિંગના આધારે હરિયાણાએ કર્ણાટકને 43.5 ઓવરમાં 143 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જવાબમાં રોહિત શર્મા (63)ની અડધી સદીની મદદથી હરિયાણાની ટીમે 31.1 ઓવરમાં પાંચ વિકેટે 144 રન કરીને મેચ જીતી લીધી હતી.