વિરાટ 77 રન પર ગુજરાતના સ્પિનરના બૉલમાં સ્ટમ્પ-આઉટ, પણ રોહિત પહેલા જ બૉલમાં કૅચઆઉટ

બેંગ્લૂરુ/જયપુર: વિજય હઝારે ટ્રોફીમાં આ વખતે ધુરંધર ખેલાડીઓ રમી રહ્યા હોવાથી આ વન-ડે ટૂર્નામેન્ટને ચાર ચાંદ લાગી ગયા છે, જેમાં વિરાટ કોહલી (Virat Kohli)એ સતત બીજી મૅચમાં સારું પર્ફોર્મ કર્યું છે, પરંતુ રોહિત શર્માએ ધમાકેદાર સેન્ચુરીના બે દિવસ બાદ આજે ઝીરો પર વિકેટ ગુમાવીને ચાહકોને નિરાશ કર્યા છે.
વિરાટે 53માંથી 50 રન ચોક્કા-છગ્ગામાં બનાવ્યા
બેંગ્લૂરુમાં વિરાટ કોહલીએ બે દિવસ પહેલાં 131 રન કરીને દિલ્હીને આંધ્ર સામે શાનદાર વિજય અપાવ્યો હતો. આજે પણ તે અસલ મિજાજમાં રમી રહ્યો હતો. તેણે 53માંથી 50 રન ચોક્કા-છગ્ગાની મદદથી બનાવ્યા હતા. તેણે હાફ સેન્ચુરી માત્ર 29 બૉલમાં પૂરી કરી હતી. જોકે તે પોતાના 77 રનના સ્કોર પર ગુજરાતના લેફટ-આર્મ સ્પિનર વિશાલ જયસ્વાલના બૉલને સમજી નહોતો શક્યો અને સ્ટમ્પ-આઉટ થઈ ગયો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે દિલ્હીએ પચીસ ઓવરમાં ચાર વિકેટે 113 રન કર્યા હતા. કેપ્ટન રિષભ પંત અને આયુષ બદોની દાવમાં હતા.
રોહિતની વિકેટ બાદ શાર્દુલ-મુશીરની હાફ સેન્ચુરી
જયપુરમાં ઉત્તરાખંડ સામે મુંબઈનો સ્કોર માંડ ચાર રન હતો ત્યારે ઓપનર રોહિત શર્મા (Rohit Sharma) પોતાના શૂન્ય પર કૅચઆઉટ થઈ ગયો હતો. છેલ્લા અહેવાલ મળ્યા ત્યારે મુંબઈએ આ વન-ડે મૅચમાં પહેલી 20 ઓવરમાં બે વિકેટે 129 રન કર્યા હતા. કેપ્ટન શાર્દુલ ઠાકુર બાવન રને અને મુશીર ખાન પંચાવન રને રમી રહ્યા હતા.
પ્રેક્ષકો હજી આવે એ પહેલાં જ રોહિતની વિદાય
બે દિવસ પહેલાં જયપુર (JAIPUR)ના આ જ સવાઈ માનસિંઘ સ્ટેડિયમમાં રોહિતે સિક્કિમ સામે ધમાકેદાર 155 રન કરીને મુંબઈને જિતાડ્યું હતું. જોકે આજે સવારે અસંખ્ય પ્રેક્ષકો હજી તો પોતાની જગ્યા પર આવે એ પહેલાં જ રોહિત ઉત્તરાખંડ સામે (મુંબઈની પહેલી જ ઓવરમાં) ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો હતો.



