સ્પોર્ટસ

વિરાટ વગર પણ જીતીને દિલ્હી પહોંચી ગયું ક્વૉર્ટર ફાઇનલમાં…

ગિલ ફ્લૉપ છતાં પંજાબ વિજેતા, શ્રેયસે મુંબઈને ક્વૉર્ટરમાં પહોંચાડ્યુંઃ બરોડા, સૌરાષ્ટ્ર, ગુજરાતના વિજય

અલુર (કર્ણાટક): વિરાટ કોહલી મંગળવારે અહીં વિજય હઝારે (Vijay Hazare) ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં રમ્યો નહોતો એમ છતાં તેના વિનાની દિલ્હીની ટીમે રેલવે સામે વર્ચસ્વ સાથે છ વિકેટે વિજય મેળવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. રેલવેની ટીમ 179 રનમાં આઉટ થયા બાદ દિલ્હી (Delhi)એ પ્રિયાંશ આર્યના 80 રન, નીતીશ રાણાના અણનમ 38 તથા કૅપ્ટન રિષભ પંતના 24 રનની મદદથી 21.4 ઓવરમાં ચાર વિકેટે 182 રન બનાવીને વિજય મેળવી હાંસલ કર્યો હતો.

શુભમન ગિલ (Gill) ઈજાઓ બાદ ફરી રમવા આવ્યો છે, પણ સોમવારે ગોવા સામેની મૅચમાં પંજાબ વતી ઓપનિંગમાં તે ફક્ત 11 રનમાં વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે ગોવાના 211 રનના જવાબમાં પંજાબે હરનૂર સિંહના અણનમ 94 અને નમન ધીરના 68 રનની મદદથી ચાર વિકેટે 212 રન કરીને વિજય મેળવી ક્વૉર્ટરમાં એન્ટ્રી કરી હતી.

જયપુરમાં મુંબઈએ કમબૅકમૅન શ્રેયસ ઐયર (82 રન, 53 બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર) અને મુશીર ખાન (73 રન, 51 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર)ની મદદથી નવ વિકેટે 299 રન કર્યા ત્યાર પછી હિમાચલ પ્રદેશની ટીમ 292 રનના સ્કોર પર આઉટ થઈ જતાં મુંબઈનો સાત રનથી રોમાંચક વિજય થયો હતો.

અન્ય મૅચોમાં બરોડા (332 રન)નો જમ્મુ-કાશ્મીર (256 રન) સામે 76 રનથી, ગુજરાત (6/333)નો ઓડિશા (10/100) સામે 233 રનથી અને સૌરાષ્ટ્ર (5/349)નો સર્વિસીઝ (10/238) સામે 111 રનથી વિજય થયો હતો.

આ પણ વાંચો…વિરાટ 5,783 દિવસે રમ્યો વિજય હઝારે ટ્રોફીમાંઃ 16,000 રનનો સચિનનો વિશ્વવિક્રમ તોડ્યો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button