સ્પોર્ટસ

વિઆન, તારે લારાનો 400 રનનો રેકૉર્ડ તોડવો જોઈતો હતો, તેં ભૂલ કરી: ક્રિસ ગેઈલ

કિંગસ્ટન: સાઉથ આફ્રિકાના કાર્યવાહક સુકાની વિઆન મુલ્ડરે બે દિવસ પહેલાં બ્રાયન લારા (Brian Lara)નો અણનમ 400 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવાની અમૂલ્ય તક ગુમાવીને પોતાનો દાવ 367 રનના સ્કોર પર ડિક્લેર કરી દીધો એ નિર્ણય બદલ વિઆન(Wiaan)ની વિશ્વભરમાં વાહ-વાહ થઈ રહી છે, પરંતુ લારાના જ દેશ વેસ્ટ ઈન્ડિઝના લેજન્ડ ક્રિસ ગેઈલે (Chris Gayle) વિઆનના નિર્ણયને બ્લન્ડર તરીકે ઓળખાવ્યો છે. ગેઈલનું એવું કહેવું છે કે વિઆને આ રેકૉર્ડ તોડવાની અમૂલ્ય તક જતી નહોતી કરવી જોઈતી.’

વિઆને સોમવારે કહ્યું કે, ‘ લારાએ ઇંગ્લૅન્ડ સામે અણનમ 400 રન કર્યા હતા એ વર્લ્ડ રેકૉર્ડ તેના જેવી મોટી હસ્તીના નામે હોય એ જ ઠીક કહેવાય અને એ ખૂબ સ્પેશિયલ પણ કહેવાય. મને હવે પછી ફરી એ રેકૉર્ડ તોડવાની તક મળશે તો ત્યારે પણ હું અત્યાર જેવો જ નિર્ણય લઈશ. મેં મારા કોચ શુક્રી કોન્રેડ સાથે આ રેકૉર્ડ બાબતમાં ચર્ચા કરી હતી ત્યારે તેમણે પણ મને કહ્યું હતું કે જો, મોટા સ્કોરના વિક્રમ લેજન્ડ ખેલાડીના નામે રહે એ જ યોગ્ય કહેવાય. મને કોચની આ વાત પણ ખૂબ ગમી હતી. મારા નસીબમાં જે લખાયું હશે એ હું કરીને જ રહીશ, પરંતુ 400 રનના આ રેકૉર્ડની વાત કરીએ તો આ વર્લ્ડ રેકોર્ડ તો લારાના નામે જ શોભે છે.’

જોકે લારાના રેકૉર્ડથી ફક્ત 33 રન દૂર રહેલા વિઆનના નિર્ણય વિશે ક્રિસ ગેઈલનું એવું કહેવું છે કે ‘ લારાનો વિશ્વ વિક્રમ તોડવો કે નહીં એ બાબતમાં શું કરવું અને શું નહીં એ વિચારીને વિઆન ભયભીત થઈ ગયો હશે અને પછી તે ભૂલ કરી બેઠો. 400 રનનો વિક્રમ તોડવાની તક કંઈ વારંવાર ન મળે. હવે પછી કોણ જાણે તું ક્યારે ટ્રિપલ સેન્ચુરી ફટકારીશ. હું તારી જગ્યાએ હોત અને 400 રનની નજીક પહોંચ્યો હોત તો એ રેકૉર્ડ મેં તોડી જ નાખ્યો હોત.’

આપણ વાંચો:  આ દિગ્ગજ અમ્પાયરનું 41 વર્ષની વયે અવસાન; ક્રિકેટજગતમાં શોકની લાગણી…

ખુદ ગેઈલે ટેસ્ટ ક્રિકેટમાં બે વખત ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. તેણે શ્રીલંકા સામે 333 રન અને સાઉથ આફ્રિકા સામે 317 રન કર્યા હતા, પરંતુ લારાના રેકૉર્ડ સુધી નહોતો પહોંચી શક્યો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button