
રોમઃ મહિલા ટેનિસના સાત ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલી અને આ અઠવાડિયે 16 મહિના પછીની પ્રથમ સિંગલ્સ મૅચ રમનાર અમેરિકાની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન વીનસ વિલિયમ્સે (Venus Williams) જાહેર કર્યું છે કે તેણે ઇટલીના મૉડેલ અને ઍક્ટર ઍન્ડ્રીઆ પ્રેટિ (Andrea Preti) સાથે સગાઈ કરી લીધી છે અને આગામી સપ્ટેમ્બરમાં તેની સાથે લગ્નગ્રંથિથી જોડાઈ જશે. વીનસ ડેન્માર્કમાં જન્મેલા પ્રેટિથી આઠ વર્ષ મોટી છે.
વીનસ 45 વર્ષની છે અને પ્રેટિ 37 વર્ષનો છે. તેઓ 2024માં એકમેકને પહેલી વાર મળ્યા હતા અને ફેબ્રુઆરી, 2025માં વીનસની આંગળીમાં ડાયમંડ રિંગ (Diomond Ring) જોવા મળી ત્યારથી તેના ફિયાન્સ વિશેની અટકળો અખબારો અને મૅગેઝિનોમાં થતી હતી. વીનસે સત્તાવાર રીતે છેક હવે જાહેર કર્યું છે કે તેણે પ્રેટિ સાથે સગાઈ કરી છે અને બે મહિના પછી ઇટલીમાં તેની સાથે લગ્ન કરશે.
વીનસે પત્રકારોને બુધવારે કહ્યું હતું કે પ્રેટિએ મને ટેનિસની કરીઅર લંબાવવા ખૂબ પ્રોત્સાહિત કરી છે અને એટલે જ હજી આટલી મોટી ઉંમરે હું રમી રહી છું.’ 2024માં ઇટલીના અમાલ્ફી બીચ પર એક યૉટની સફર દરમ્યાન પહેલી વાર વીનસ-પ્રેટિ એકમેકને મળ્યાં હતાં. પ્રેટિનો ઉછેર ઇટલીમાં થયો હતો. તે ટીવી સિરીઝઅ પ્રૉફેસર’માં ભૂમિકા ભજવી ચૂક્યો છે. 2023માં ટૅમ્પટેશન’ નામના ડ્રામામાં પણ તેણે ભૂમિકા ભજવી હતી. તે ઇટલીનાધ મોલ’ રિયાલિટી શૉમાં પણ કામ કરી ચૂક્યો છે. પ્રેટિ મલ્ટિ-ટૅલન્ટેડ છે અને ઇટલીમાં ફૅશન આઇકન તરીકે જાણીતો છે.
વીનસની નાની બહેન સેરેના વિલિયમ્સ 43 વર્ષની છે. સેરેનાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ `રેડિટ’ના સહ-સ્થાપક ઍલેક્સી ઑહાનિયન સાથે લગ્ન કર્યા છે. તેમને બે પુત્રી છે. ઑલિમ્પિયા આઠ વર્ષની અને ઍડિરા બે વર્ષની છે.