ભૂતપૂર્વ પેસ બોલર વેન્કટેશ પ્રસાદ બેંગલૂરુના સ્ટેડિયમની વહારે, જાહેર કર્યું કે…

બેંગલૂરુઃ ભૂતપૂર્વ પેસ બોલર વેન્કટેશ પ્રસાદ 1999માં બે વન-ડેમાં (એક વખત પાકિસ્તાન સામે અને બીજી વાર ઇંગ્લૅન્ડ સામે) અનુક્રમે પાંચ અને ત્રણ વિકેટ લઈને જેમ ભારતીય ટીમની વહારે આવ્યો હતો અને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો હતો એમ હવે તે બેંગલૂરુના વિવાદાસ્પદ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ (M. Chinnaswami stadium) માટે તારણહાર બનવા મેદાને પડ્યો છે.
વાત એવી છે કે ચોથી જૂને એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની નજીક રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ (આરસીબી)ના લાખો ચાહકો આરસીબીના પ્રથમ આઇપીએલ-ટાઇટલની ઉજવણી માટે ભેગા થયા હતા ત્યારે સ્ટેડિયમમાં તથા એની આસપાસની ગેરવ્યવસ્થાને લીધે મોટા પાયે ધક્કામુક્કી અને નાસભાગ થઈ હતી જેમાં 11 લોકોના જીવ ગયા હતા અને 50થી વધુ લોકોને ઈજા થઈ હતી.
આપણ વાંચો: વર્લ્ડ કપની ટીમમાં હાર્દિકના સમાવેશને લઈને ભૂતપૂર્વ સિલેક્ટરે આપ્યું ચોંકાવનારું નિવેદન
એ દુર્ઘટના બાદ કર્ણાટક સ્ટેટ ક્રિકેટ ઍસોસિયેશન (KSCA) હેઠળનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ મૅચ તથા ટૂર્નામેન્ટ માટે બંધ કરવામાં આવ્યું છે. ત્યારથી આ સ્ટેડિયમમાં કોઈ પણ મૅચ રાખવા માટે રાજ્યના પોલીસ તંત્ર તરફથી પરવાનગી મળવાની બંધ થઈ ગઈ છે. જૂનની ગોઝારી ઘટના બાદ આ ઍસોસિયેશન સેક્રેટરી અને ખજાનચી વિના ચાલી રહ્યું છે.
કેએસસીએની ચૂંટણી (Election) નજીક આવી ગઈ છે અને વેન્કટેશ પ્રસાદે (Venkatesh Prasad) ફરી વહીવટતંત્રમાં સામેલ થવા આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તે 2013થી 2016 સુધી કેએસસીએમાં ઉપ-પ્રમુખ હતો. તે ભારત વતી 1994થી 2001 સુધી રમ્યો હતો. તેણે 33 ટેસ્ટમાં 96 વિકેટ અને 161 વન-ડેમાં 196 વિકેટ લીધી હતી.
56 વર્ષનો વેન્કટેશ પ્રસાદ બેંગલૂરુનો જ છે. ચૂંટણીને લગતી તેની ટીમમાં ભારતના સૌપ્રથમ મહિલા ક્રિકેટ-કૅપ્ટન શાંતા રંગાસ્વામી તથા ભૂતપૂર્વ હોદ્દેદાર વિનય મૃત્યુંજય સામેલ છે.
આપણ વાંચો: ડેવિડ જૉન્સનને 1996માં ઈજાગ્રસ્ત જાવાગલના સ્થાને ટેસ્ટ રમવા મળી હતી
વેન્કટેશ પ્રસાદ એમ. ચિન્નાસ્વામીને ગુમાયેલી પ્રતિષ્ઠા પાછી અપાવવા મક્કમ છે. તેણે કહ્યું છે, ` અમે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને આંતરરાષ્ટ્રીય મૅચો પાછી અપાવવા દૃઢ છીએ.
આ આઇકૉનિક ક્રિકેટ-મેદાન પર 50 વર્ષથી મૅચો રમાય છે. આ મેદાન પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચો રાખવાની ક્યારેય પરવાનગી નથી લેવી પડી, પણ હવે પહેલી વાર એવું બની રહ્યું છે. રાજ્યની પોતાની મહારાજા ટ્રોફી પણ અહીં રાખવાને બદલે મૈસૂરમાં રાખવી પડી છે.’
30મી સપ્ટેમ્બરે ભારત-શ્રીલંકામાં મહિલાઓનો વન-ડે વર્લ્ડ કપ શરૂ થશે અને એમાં બેંગલૂરુમાં આયોજિત કેટલીક મૅચો (પોલીસની પરવાનગી ન મળવાને કારણે) કદાચ નહીં રમાય અને બીજે ખસેડાશે.