ભારતનો `મિસ્ટ્રી સ્પિનર' પહેલી વાર રૅન્કિંગમાં નંબર-વન | મુંબઈ સમાચાર
Top Newsસ્પોર્ટસ

ભારતનો `મિસ્ટ્રી સ્પિનર’ પહેલી વાર રૅન્કિંગમાં નંબર-વન

ટી-20 ફૉર્મેટમાં અપ્રતિમ સિદ્ધિ મેળવનારો ત્રીજો ભારતીય બોલર બન્યો

દુબઈઃ ભારતનો લેગબ્રેક ગૂગલી સ્પેશ્યાલિસ્ટ વરુણ ચક્રવર્તી ટી-20 એશિયા કપની બે મૅચમાં માત્ર બે વિકેટ લઈ શક્યો છે, પરંતુ તે સર્વોચ્ચ રેટિંગ-પૉઇન્ટ બદલ પહેલી જ વખત આઇસીસી ટી-20 રેન્કિંગ (RANKINGS)માં નંબર-વન થઈ ગયો છે. આ સિદ્ધિ મેળવનાર ભારતનો તે ત્રીજો બોલર છે. આ પહેલાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને લેગ-સ્પિનર રવિ બિશ્નોઈએ ટી-20માં નંબર-વન બોલરની રૅન્ક મેળવી હતી.

34 વર્ષીય વરુણની ગણના `મિસ્ટ્રી સ્પિનર’ તરીકે થાય છે. ભલભલા બૅટ્સમૅનને પોતાના રહસ્યમય સ્પિનથી ચક્કર ખવડાવી દેતા વરુણે ત્રણ ક્રમની જોરદાર છલાંગ લગાવીને ટી-20ની દુનિયાનો નંબર-વન (number one) બોલર બની ગયો છે.

વરુણ આ પહેલાં (ફેબ્રુઆરી, 2025માં) વધુમાં વધુ બીજી રૅન્ક સુધી પહોંચ્યો હતો. આ વખતે તેણે માર્ચ મહિનાથી નંબર-વનના સિંહાસન પર બેઠેલા ન્યૂ ઝીલૅન્ડના જૅકબ ડફીને હટાવીને નંબર-વનની રૅન્ક મેળવી લીધી છે. કુલદીપ યાદવે એશિયા કપમાં યુએઇ તથા પાકિસ્તાન સામે અનુક્રમે ચાર અને ત્રણ વિકેટ લઈને ભારતને સુપર-ફોર રાઉન્ડમાં પહોંચાડી દીધું. આ સુપર પર્ફોર્મન્સને કારણે રૅન્કિંગમાં કુલદીપે 16 ક્રમની છલાંગ લગાવી છે અને 23મા સ્થાને આવી ગયો છે. સ્પિન-ઑલરાઉન્ડર અક્ષર પટેલ એક સ્થાન આગળ આવ્યો છે અને હાલમાં 12મા નંબરે છે.

આઇસીસીના નિવેદનમાં જણાવાયું હતું કે ` ભારતીય સ્પિનર વરુણ ચક્રવર્તીનું ફૉર્મ 2025માં સતત સારું રહ્યું છે જેને પગલે તે હવે નંબર-વન થઈ ગયો છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button