સ્પોર્ટસ

ભારતના એક સમયના ફાસ્ટેસ્ટ બોલરે જાહેર કરી દીધી નિવૃત્તિ…

આ ઝડપી બોલર કરીઅરમાં કુલ આઠ સ્ટ્રેસ-ફ્રૅક્ચરનો અને ત્રણ વાર પગના ફ્રૅક્ચરનો શિકાર થયો

નવી દિલ્હીઃ ભારતના એક સમયના સૌથી ઝડપી બોલર ગણાતા વરુણ આરૉને તમામ પ્રકારની (રીપ્રેઝન્ટેટિવ) ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. તે 35 વર્ષનો છે અને 2011 થી 2015 દરમ્યાન ભારત વતી નવ વન-ડે તથા નવ ટેસ્ટ રમ્યો હતો. આરૉને વિવિધ પ્રકારની ઈજાને કારણે કરીઅરમાં વારંવાર વિઘ્નો સહન કરવા પડ્યા હતા. તેને દોઢ દાયકાની કરીઅર દરમ્યાન આઠ વખત બૅક-સ્ટ્રેસ ફ્રૅક્ચરની ઈજા થઈ હતી અને ત્રણ વાર પગમાં ફ્રૅક્ચર થયું હતું.

આ પણ વાંચો : ગપ્ટિલે નિવૃત્તિ જાહેર કર્યા પછી કહ્યું, `મારે હજી રમવું હતું, પણ…’

વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં તેના હોમ-સ્ટેટ ઝારખંડની ટીમ બહાર થઈ જતાં આરૉને સોશિયલ મીડિયા પર રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું.

ઈજાને કારણે તે 2015 પછી ભારત વતી રમવા માટે ઉપલબ્ધ નહોતો થઈ શક્યો.

તેણે 14 ટેસ્ટ-ઇનિંગ્સમાં 18 વિકેટ અને નવ વન-ડેમાં 11 વિકેટ લીધી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ અને ડોમેસ્ટિક ક્રિકેટની લિસ્ટ-એ ફૉર્મેટમાં તેનો પર્ફોર્મન્સ સારો હતો. તેણે પ્રથમ કક્ષાની 66 મૅચમાં 173 વિકેટ અને લિસ્ટ-એ વર્ગની 88 મૅચમાં 141 વિકેટ લીધી હતી.

2010 માં 21 વર્ષની ઉંમરે વિજય હઝારે ટ્રોફીમાં આરૉને જોરદાર બોલિંગ પર્ફોર્મન્સથી સૌને પ્રભાવિત કર્યા હતા. ત્યારે ગુજરાત સામેની ફાઇનલમાં તેણે એક બૉલ કલાકે 153 કિલોમીટરની ઝડપે ફેંક્યો હતો. તે સતતપણે કલાકે 150 કરતાં વધુ કિલોમીટરની ઝડપે બૉલ ફેંકતો હોવાથી ભારતીય ક્રિકેટના અગ્રણીઓ તેનાથી પ્રભાવિત થયા હતા અને 2011માં મુંબઈમાં ઇંગ્લૅન્ડ સામેની મૅચથી તેને ભારત વતી ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો.

આ પણ વાંચો : ગાવસકરને કેમ લાગે છે કે રોહિત પછી બુમરાહ જ ભારતનો કૅપ્ટન બનશે?

એ જ વર્ષમાં તેણે વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચથી ટેસ્ટ-ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતતપણે ઝડપી બોલિંગ કરવી પડતી હોવાથી તેને શરીરે સાથ નહોતો આપ્યો અને તેને સ્નાયુઓની એક પછી એક ઈજા થવા લાગી હતી.
આઇપીએલમાં તે પંજાબ, રાજસ્થાન, ગુજરાત, કોલકાતા, દિલ્હી અને બેન્ગલૂરુ વતી રમ્યો હતો. ભારતની આ સૌથી લોકપ્રિય લીગ ક્રિકેટમાં તે 2011થી 2022 સુધી રમ્યો હતો. ચેન્નઈની એમઆરએફ પેસ ઍકેડેમીમાંથી ભારતીય ટીમને મળેલો આરૉન આ જ ઍકેડેમી સાથે 2024ની સાલમાં પણ સંકળાયેલો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button