એક દિવસમાં ત્રણ ધમાકાઃ વૈભવની 36 બૉલમાં, ગનીની 32 બૉલમાં અને કિશનની 33 બૉલમાં સેન્ચુરી

જોકે પડિક્કલે પણ સદી ફટકારતા કિશનની મહેનત પાણીમાંઃ કર્ણાટકની ટીમની તુલના સાઉથ આફ્રિકા સાથે થવા લાગી
અમદાવાદઃ વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં બુધવારે એક જ દિવસમાં સદીઓની વર્ષા વરસી હતી. મહેન્દ્રસિંહ ધોનીના રાંચી શહેરમાં બિહારે વિશ્વવિક્રમી 6/574ના ટોટલ સાથે ધમાકેદાર પર્ફોર્મ કર્યું જેમાં 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી (190 રન, 84 બૉલ, પંદર સિક્સર, સોળ ફોર)નો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ હતો. તે 10 રન માટે ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. ઉલ્લેખનીય એ છે કે તેણે 36 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી. તેણે લિસ્ટ-એ વન-ડે ફૉર્મેટમાં પાકિસ્તાનના શાહિદ આફ્રિદીનો 37 બૉલની સેન્ચુરીનો વિક્રમ પાર કરી દીધો હતો, પરંતુ તે પંજાબના અનમોલપ્રીત સિંહનો 35 બૉલની સદીનો ભારતીય વિક્રમ નહોતો તોડી શક્યો.
જોકે વૈભવની 36 બૉલની સદીની ચર્ચા હજી શાંત નહોતી પડી ત્યાં તેની જ (બિહારની જ ટીમના) કૅપ્ટન સકિબુલ ગની (128 અણનમ, 40 બૉલ, બાર સિક્સર, બાર ફોર)એ 32 બૉલમાં સદી પૂરી કરીને ડોમેસ્ટિક ક્રિકેટની લિસ્ટ-એ વન-ડેમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો ભારતીય રેકૉર્ડ રચી દીધો હતો. જે કામ વૈભવ ન કરી શક્યો એ થોડી વાર બાદ સકિબુલે કર્યું હતું.
બીજી તરફ, અમદાવાદમાં ઝારખંડના ઇશાન કિશને (125 રન, 39 બૉલ, 14 સિક્સર, સાત ફોર) કર્ણાટક સામે ધબધબાટી બોલાવી હતી અને 33 બૉલમાં સદી પૂરી કરી હતી. એ સાથે, તે હવે લિસ્ટ-એ ફૉર્મેટમાં (સકિબુલ ગની બાદ) બીજા નંબરનો સૌથી ઝડપી ભારતીય સેન્ચુરિયન છે.
કર્ણાટકનો સાઉથ આફ્રિકા જેવો ધમાકો
અમદાવાદમાં ઝારખંડના સુકાની ઇશાન કિશને (125 રન, 39 બૉલ, 14 સિક્સર, સાત ફોર) સેન્ચુરી ફટકારીને ઝારખંડને 9/412નો સ્કોર અપાવ્યો હતો. એવું લાગતું હતું કે કર્ણાટક 413 રનનો તોતિંગ લક્ષ્યાંક નહીં મેળવી શકે, પણ મયંક અગરવાલના સુકાનમાં કર્ણાટકે સાઉથ આફ્રિકાના 19 વર્ષ પહેલાંના (2006ના) પર્ફોર્મન્સની યાદ અપાવતું પર્ફોર્મ કર્યું હતું. ખુદ મયંકે 54 રન કર્યા હતા અને ત્યાર બાદ સાથી ઓપનર દેવદત્ત પડિક્કલ (147 રન, 118 બૉલ, સાત સિક્સર, દસ ફોર)એ વધુ સારી કમાલ બતાવી હતી. તેણે કિશનની સદીને ઝાંખી પાડી દીધી હતી. પડિક્કલ અને મયંક વચ્ચે 114 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. કર્ણાટકની જીતમાં અભિનવ મનોહર (32 બૉલમાં અણનમ 56) અને ધ્રુવ પ્રભાકર (બાવીસ બૉલમાં અણનમ 40)ના પણ મહત્ત્વના યોગદાન હતા. રણજી ટ્રોફીમાં ઝળકી ચૂકેલા ઝારખંડ (jharkhand)ના છ બોલર કર્ણાટકને 413 રનના ટાર્ગેટ સુધી પહોંચતાં નહોતા રોકી શક્યા.

કિશન (Kishan)ને પડિક્કલે ઝાંખો પાડ્યો, સાઉથ આફ્રિકા બાદ બીજા નંબરે કર્ણાટક
લિસ્ટ-એ (List-A) વન-ડે સહિતની સમગ્ર વન-ડે ક્રિકેટમાં સૌથી સફળ રન ચેઝમાં કર્ણાટકની ટીમ હવે વિશ્વમાં બીજા નંબરે છે. અમદાવાદમાં ઝારખંડે કૅપ્ટન ઇશાન કિશનના 125 રનની મદદથી નવ વિકેટે 412 રન કર્યા ત્યાર બાદ કર્ણાટકે 47.3 ઓવરમાં પાંચ વિકેટે 413 રન કરીને વિજય મેળવી લીધો હતો. લિસ્ટ-એ ક્રિકેટમાં કર્ણાટકનો આ બીજા નંબરનો સૌથી સફળ રન ચેઝ છે. પ્રથમ સ્થાને સાઉથ આફ્રિકા (2006માં ઑસ્ટ્રેલિયા સામે 435 રન) છે.


બિહાર વતી ત્રણ ખેલાડીની સદી
બિહાર તરફથી ત્રણ ખેલાડીઓએ સદી ફટકારી હતી. વૈભવ સૂર્યવંશીના 190 રન ઉપરાંત કૅપ્ટન સકિબુલ ગની (અણનમ 128, 40 બૉલ, બાર સિક્સર, દસ ફોર) તથા વિકેટકીપર આયુષ લોહારુકા (116 રન, 56 બૉલ, આઠ સિક્સર, અગિયાર ફોર)ની પણ સેન્ચુરીની મદદથી બિહારે પોણાછસો રનનો ખડકલો કર્યો હતો. અરુણાચલ પ્રદેશની ટીમ 177 રનમાં આઉટ થઈ જતાં બિહારનો 397 રનથી વિજય થયો હતો.

વૈભવ સૌથી નાની વયનો સેન્ચુરિયન
અરુણાચલ સામે બિહાર વતી ઓપનિંગમાં રમનાર 14 વર્ષના લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીએ માત્ર 36 બૉલમાં લિસ્ટ-એ ક્રિકેટમાં પોતાની પ્રથમ સદી પૂરી કરી, આ સાથે જ તે લિસ્ટ-એ ક્રિકેટમાં સદી ફટકારનાર વિશ્વનો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો.
વૈભવે તોડ્યો ડિવિલિયર્સનો વિક્રમ
વૈભવે 54 બૉલમાં 150 રન પૂરા કરીને લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો એબી ડિવિલિયર્સનો રેકોર્ડ તોડ્યો હતો. વૈભવ 84 બોલમાં 190 રન બનાવીને આઉટ થયો, ત્યારે બિહારનો સ્કોર 27 ઓવરમાં 260 રન હતો.
લિસ્ટ-એ (વન-ડે)માં કોની સેન્ચુરી ફાસ્ટેસ્ટ
(1) જેક ફ્રૅઝર-મૅકગર્ક, સાઉથ આફ્રિકા, 29 બૉલમાં સદી
(2) એબી ડિવિલિયર્સ, સાઉથ આફ્રિકા, 31 બૉલમાં સદી
(3) સકિબુલ ગની, બિહાર, 32 બૉલમાં સદી
(4) ઇશાન કિશન, ઝારખંડ, 33 બૉલમાં સદી
(5) અનમોલપ્રીત સિંહ, પંજાબ, 35 બૉલમાં સદી
(6) કૉરી ઍન્ડરસન, ન્યૂ ઝીલૅન્ડ, 36 બૉલમાં સદી
(7) ગ્રેહામ રોઝ, સમરસેટ, 36 બૉલમાં સદી
(8) વૈભવ સૂર્યવંશી, બિહાર, 36 બૉલમાં સદી
(9) શાહિદ આફ્રિદી, પાકિસ્તાન, 37 બૉલમાં સદી
(10) રિકાર્ડો પોવેલ, જમૈકા, 38 બૉલમાં સદી
આપણ વાંચો: રૅન્કિંગમાં સૂર્યકુમારને ઝટકો, તિલકની છલાંગઃ અભિષેક હજીયે નંબર-વન



