વૈભવ સૂર્યવંશીની રેકૉર્ડ-બ્રેક ઇનિંગ્સ: ભારતનો એવો પ્રથમ અન્ડર-19 બૅટ્સમૅન છે જેણે…

નૉટિંગમ: ભારતની અન્ડર-19 ટીમ ઇંગ્લૅન્ડ (England)માં એક પછી એક ખેલાડીના ધમાકેદાર પર્ફોર્મન્સથી બ્રિટિશ ટીમને નમાવી રહી છે. બુધવારે ભારતીય જુનિયર ટીમે ઇંગ્લૅન્ડની જુનિયર ટીમને 33 બૉલ બાકી રાખીને ચાર વિકેટના માર્જિનથી પરાજિત કરવાની સાથે પાંચ વન-ડે મેચની સિરીઝમાં 2-1થી સરસાઈ મેળવી લીધી હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી (86 રન, 31 બૉલ, 9 સિક્સર, 6 ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. વૈભવે (VAIBHAV SURYAVANSHI) આ મૅચમાં નવ સિક્સર ફટકારીને એક વન-ડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો નવો ભારતીય (India) વિક્રમ રચ્યો હતો.
વૈભવે કોનો રેકૉર્ડ તોડ્યો?
આ પહેલાં અન્ડર-19 (under-19) ક્રિકેટમાં એક વન-ડેમાં સૌથી વધુ આઠ સિક્સર ફટકારવાનો ભારતીયોમાં મનદીપ સિંહનો વિક્રમ હતો જે વૈભવે તોડી નાખ્યો છે.
A strike rate of 213.1
— Wisden (@WisdenCricket) July 2, 2025
14-year-old Vaibhav Suryavanshi has carried his explosive form into under-19 cricket.#ENGvIND pic.twitter.com/9efdNIGVSO
બંને ટીમે કેવું પર્ફોર્મ કર્યું?
વરસાદના વિઘ્નને કારણે આ મૅચ 40-40 ઓવરની કરવામાં આવી હતી. ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમે બૅટિંગ મળ્યા બાદ છ વિકેટે 268 રન કર્યા હતા જેમાં કેપ્ટન થૉમસ રયૂના 76 રન હાઈએસ્ટ હતા. ભારતીય જુનિયર ટીમના ઑફ સ્પિનર કનિષ્ક ચૌહાણે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. ભારતે 34.3 ઓવરમાં છ વિકેટના ભોગે 274 રન કરીને શાનદાર જીત હાંસલ કરી હતી.
70-પ્લસની બે મોટી ભાગીદારી
ભારતીય ટીમના કેપ્ટન અને ઓપનર અભિજ્ઞાન કુન્ડુ (12 રન)ની વિકેટ સસ્તામાં પડી ગયા પછી બીજા ઓપનર વૈભવ સૂર્યવંશીએ વિહાન મલ્હોત્રા (46 રન, 34 બૉલ, એક સિક્સર, સાત ફોર) સાથે બીજી વિકેટ માટે 73 રનની ભાગીદારી કરી. ત્યાર બાદ બીજી નાની ભાગીદારીઓ વચ્ચે વૈભવ સહિત પાંચ બૅટ્સમેને વિકેટ ગુમાવી ત્યાર પછી કનિષ્ક ચૌહાણ (43 અણનમ, 42 બૉલ, એક સિક્સર, છ ફોર) અને આરએસ અંબરિશ (31 અણનમ, 30 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 75 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
મોર્ગનની બે ઓવરમાં વૈભવની આતશબાજી
આ વર્ષની આઈપીએલના 14 વર્ષીય સ્ટાર બૅટ્સમૅન વૈભવે બુધવારે ઇંગ્લૅન્ડની જુનિયર ટીમના પેસ બોલર સેબાસ્ટિયન મોર્ગનની બે ઓવરમાં કુલ ચાર સિક્સર અને એક ફોર ફટકારી હતી. ઇંગ્લૅન્ડના જ બીજા બોલર જેમ્સ મિન્ટોની ઓવરમાં 23 રન થયા હતા અને એમાં પણ વૈભવનું મોટું યોગદાન હતું.
27મી જૂને ભારતે સિરીઝની જે પહેલી મૅચ જીતી હતી એમાં ખાસ કરીને બોલર્સનો સારો પર્ફોર્મન્સ હતો. કનિષ્ક ચૌહાણે ત્રણ વિકેટ તેમ જ હેનિલ પટેલ, અંબરિશ અને મોહમ્મદ એનાને બે-બે વિકેટ લીધી હતી. ત્યાર બાદ વૈભવના 48 રન અને કેપ્ટન કુન્ડુના અણનમ 45 રનની મદદથી ભારતે 175 રનનો ટાર્ગેટ ચાર વિકેટના ભોગે મેળવી લીધો હતો.
આ પણ વાંચો…પહેલા બે કલાકમાં હિસાબ બરાબરઃ ભારતે બે વિકેટના ભોગે 98 રન બનાવ્યા