સ્પોર્ટસ

રેકૉર્ડ-બ્રેક યંગેસ્ટ કૅપ્ટન સૂર્યવંશી બૅટિંગમાં નિષ્ફળ, પણ ભારતને જિતાડવામાં સફળ

બનોની (સાઉથ આફ્રિકા): ભારતની અન્ડર-19 ટીમે શનિવારે અહીં યજમાન સાઉથ આફ્રિકાની અન્ડર-19 ટીમને (ડકવર્થ/લુઇસ મેથડ લાગુ કરાતાં) સિરીઝની પ્રથમ વન-ડેમાં પચીસ રનથી પરાજિત કરી હતી અને 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી (Vaibhav SURYAVANSHI) બૅટિંગમાં નહીં, પણ નેતૃત્વની કલા બદલ છવાઈ ગયો હતો. યુથ (અન્ડર-19) વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં વૈભવ સૂર્યવંશી સૌથી યુવાન સુકાની બન્યો છે અને તેણે કૅપ્ટન તરીકેની આ રેકૉર્ડ-બ્રેક મૅચમાં ભારત (India)ને વિજય અપાવ્યો છે.

વૈભવે કૅપ્ટન્સી સંભાળીને પાકિસ્તાનના અહમદ શેહઝાદનો 19 વર્ષ જૂનો વિશ્વવિક્રમ તોડ્યો હતો. શેહઝાદે 2007માં પાકિસ્તાનની અન્ડર-19 ટીમનું સુકાન પહેલી વાર સંભાળ્યું હતું ત્યારે તે 15 વર્ષનો હતો.

14 વર્ષનો વૈભવ સૂર્યવંશી દેશની શાન: રાષ્ટ્રપતિના હાથે મળ્યો એવોર્ડ, વડા પ્રધાન મોદીએ વખાણ કર્યા…

વૈભવના 11 રન, પંગાલિયાના 93

નવાઈની વાત એ છે કે શનિવારે ભારતની યુથ વન-ડે ટીમનો સુકાની આયુષ મ્હાત્રે તેમ જ વાઇસ-કૅપ્ટન વિહાન મલ્હોત્રા બન્ને ખેલાડી ઈજાને કારણે ન રમી શક્યા હોવાથી ટીમનું નેતૃત્વ વૈભવને સોંપાયું હતું. તે બે ચોગ્ગાની મદદથી બનેલા માત્ર 11 રનના પોતાના સ્કોર પર વિકેટ ગુમાવી બેઠો હતો. જોકે હરવંશ પંગાલિયાએ 93 રન કર્યા હતા. તેની અને આર. એસ. અંબરિશ (65 રન) વચ્ચે પાંચમી વિકેટ માટે 137 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. અમદાવાદનો વેદાંત ત્રિવેદી 21 રન કરીને 67 રનના કુલ સ્કોર પર આઉટ થયો ત્યાર બાદ પંગાલિયા-અંબરિશની જોડીએ ટીમનો સ્કોર 200 રનને પાર કરાવ્યો હતો.

વૈભવ સૂર્યવંશીએ 84 બોલમાં 190 રન ફટકાર્યા! 14 વર્ષની ઉંમરે આ દિગ્ગજોના વર્લ્ડ રેકોર્ડ તોડ્યા…

ભારતની પચીસ રનથી જીત

ભારતીય યુથ ટીમે 50 ઓવરમાં 301 રન કર્યા બાદ સાઉથ આફ્રિકા અન્ડર-19 ટીમને વરસાદના વિઘ્ન બાદ 27.4 ઓવરમાં 174 રન કરવાનો નવો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે યજમાન ટીમ 27.4 ઓવરમાં ચાર વિકેટના ભોગે સ્કોર 148 રન સુધી જ પહોંચાડી શકી હતી. વૈભવે એક ખેલાડીને રનઆઉટ કરાવ્યો હતો તેમ જ બોલિંગ અને ફીલ્ડિંગમાં સમજદારીપૂર્વક ફેરફાર કર્યા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button