કુલ 110 છગ્ગા, 1400-પ્લસ રનઃ આ છે રેકૉર્ડ-બ્રેકર સૂર્યવંશીની કારકિર્દીનો વૈભવ

હરારેઃ અન્ડર-19 ક્રિકેટમાં અને ખાસ કરીને અહીંના વર્લ્ડ કપમાં બિહારના ટીનેજર વૈભવ સૂર્યવંશી (SURYAVANSHI)નો દબદબો વધતો જ જાય છે જેની નવી ઝલક તેણે શુક્રવારે ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલ (FINAL)માં આપી હતી અને હવે તો તેના નવા જાદુઈ આંકડા બહાર આવ્યા છે. સૂર્યવંશીએ જુનિયર ક્રિકેટમાં પચીસ ઇનિંગ્સમાં કુલ 110 સિક્સર ફટકારી છે તેમ જ 1400-પ્લસ રન કર્યા છે અને આ બન્ને નવા રેકૉર્ડ છે.
વૈભવ આઉટ થતાં બ્રિટિશ ખેલાડીઓએ રાહતનો શ્વાસ લીધો
વૈભવ શુક્રવારે 80 બૉલમાં 15 સિક્સર અને 15 ફોરની મદદથી 175 રન કર્યા બાદ મૈની લમ્સડેનના બૉલમાં સ્કૂપ મારવા ગયો ત્યારે બૉલ તેના ગ્લવને સ્પર્શીને વિકેટકીપર-કૅપ્ટન થૉમસ રેવ તરફ ગઈ હતી અને તેણે કૅચ ઝીલ્યો ત્યારે બ્રિટિશ ખેલાડીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. જુનિયર વર્લ્ડ કપમાં પહેલી જ વખત જોવા મળેલી આ ઇનિંગ્સ બાદ વૈભવ પાછો આવી રહ્યો હતો ત્યારે હરીફ ટીમના પ્લેયર્સે પણ તેને અભિનંદન આપ્યા હતા.
આપણ વાચો: 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી દેશની શાન: રાષ્ટ્રપતિના હાથે મળ્યો એવોર્ડ, વડા પ્રધાન મોદીએ વખાણ કર્યા…
વૈભવે કપિલ દેવના અણનમ 175 રનની યાદ અપાવી
સૂર્યવંશીએ શુક્રવારે ઇંગ્લૅન્ડ સામેની વર્લ્ડ કપ ફાઇનલમાં 80 બૉલમાં 15 સિક્સર (15 SIXERS) અને 15 ફોરની મદદથી 175 રન કર્યા હતા. તેણે 175 રન કરીને 1983ના કપિલ દેવના અણનમ 175 રનના ઐતિહાસિક અને યાદગાર સ્કોરની યાદ અપાવી હતી. ત્યારે ઝિમ્બાબ્વે સામેની મૅચમાં ભારતે 17 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી ત્યાર બાદ સૌએ કપિલ દેવની કમાલ જોઈ હતી. કપિલે 138 બૉલમાં છ છગ્ગા અને 16 ચોગ્ગાની મદદથી અણનમ 175 રન કરીને ભારતને અવિસ્મરણીય વિજય અપાવ્યો હતો.
વૈભવના વિક્રમની બોલબાલા
વૈભવે શુક્રવારે જે કુલ 110 સિક્સર ફટકારી છે એ વિક્રમને બીજો કોઈ ખેલાડી જલદી તોડી શકે એવી કોઈ સંભાવના નથી, કારણકે તેના પછીના બીજા ક્રમે જે ખેલાડી છે એણે 33 ઇનિંગ્સમાં પંચાવન છગ્ગા માર્યા હતા. સૂર્યવંશી પછીના આ બીજા સ્થાને બાંગ્લાદેશનો જવાદ અબરાર છે.
એક વર્લ્ડ કપમાં સૌથી વધુ બાવીસ સિક્સર ફટકારીને વૈભવે સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસનો (એક ટૂર્નામેન્ટમાં) 18 સિક્સર મારવાનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો. વૈભવ આ વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી નાની (14 વર્ષની) ઉંમરે સદી ફટકારનાર ખેલાડી પણ બન્યો છે.
Bigger the stage Bigger the impact 🫡
— BCCI (@BCCI) February 6, 2026
Vaibhav Sooryavanshi with a record-breaking outing
Updates https://t.co/hisult6ODX #U19WorldCup pic.twitter.com/ZqS2BaddWo
14 છગ્ગાનો પોતાનો જ રેકૉર્ડ તોડ્યો
સૂર્યવંશીએ શુક્રવારની એક ઇનિંગ્સમાં જ 15 છગ્ગા માર્યા હતા. એ સાથે તેણે યુથ ક્રિકેટમાં 100 છગ્ગાનો આંકડો પાર કર્યો હતો. યુથ વન-ડે ક્રિકેટની એક ઇનિંગ્સમાં સૌથી વધુ 14 છગ્ગા ફટકારવાનો પોતાનો જ વિશ્વ વિક્રમ સૂર્યવંશીએ તોડ્યો છે અને હવે 15 છગ્ગાનો નવો રેકૉર્ડ પોતાના નામે કર્યો છે.

વૈભવે તોડ્યો વિજય ઝોલનો વિક્રમ
વૈભવે અન્ડર-19 ક્રિકેટમાં સૌથી વધુ 1,404 રન બનાવનાર ભારતીયોમાં વિજય ઝોલનો વિક્રમ પણ તોડી નાખ્યો છે. વૈભવના નામે હવે 1,412 રન છે. વૈભવને લીધે જ શુક્રવારે ભારતીય ટીમ વર્લ્ડ કપની નૉકઆઉટ મૅચમાં 350-પ્લસ રન બનાવનાર પ્રથમ ટીમ બની હતી.



