સ્પોર્ટસ

સૂર્યવંશીએ 39મી સિક્સર ફટકારી એટલે જુનિયર વન-ડે વિશ્વમાં રચાયો નવો ઇતિહાસ

પાંચ ભારતીયોએ ભેગા થઈને ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમ સામે ભારતને અપાવ્યો શ્રેણી-વિજય

બ્રિસ્બેનઃ ઇન્ડિયા અન્ડર-19 ટીમે બુધવારે અહીં ઇયાન હિલી ઓવલ મેદાન પર ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમને રોમાંચક વન-ડે (ODI) મુકાબલામાં 51 રનથી હરાવીને ત્રણ વન-ડેની શ્રેણીમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી અને બુધવારની મૅચમાં જીત અપાવવામાં ભારતીય જુનિયર ટીમના ખાસ કરીને પાંચ ખેલાડીના સૌથી સારા પર્ફોર્મન્સ હતા. આ વિજય વચ્ચે ઊડીને આંખે વળગે એવી વાત એ છે કે 14 વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનર વૈભવ સૂર્યવંશી (Vaibhav SURYAVANSHI)એ અન્ડર-19 વન-ડે ફૉર્મેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો નવો વિશ્વવિક્રમ રચ્યો હતો.

2012ના જુનિયર વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન ઉનમુક્ત ચંદના નામે ઘણા સમયથી આ ફૉર્મેટમાં 38 છગ્ગાનો વર્લ્ડ રેકૉર્ડ હતો અને બુધવારે વૈભવ સૂર્યવંશી (70 રન, 68 બૉલ, છ સિક્સર, પાંચ ફોર)એ ઇનિંગ્સની જે ચોથી સિક્સર ફટકારી એ વિક્રમજનક હતી. તેણે કરીઅરની એ 39મી સિક્સર ફટકારીને ઉનમુક્તનો 38 છગ્ગાનો રેકૉર્ડ તોડી નાખ્યો હતો. ત્યાર પછી સૂર્યવંશીએ વધુ બે છગ્ગા ફટકાર્યા હતા અને હવે તે જુનિયર (અન્ડર-19) બૅટ્સમેનોમાં 41 સિક્સર સાથે મોખરે છે. નવાઈની વાત એ છે કે સૂર્યવંશીએ ઉનમુક્ત કરતાં અડધા ભાગની મૅચમાં 39મી સિક્સર ફટકારી. ઉનમુક્તએ 21 વન-ડે મૅચમાં 38 છગ્ગા ફટકાર્યા, જ્યારે સૂર્યવંશીએ ફક્ત 10 મૅચમાં 41 છગ્ગા ફટકાર્યા છે.

સૂર્યવંશી ઉપરાંત ચાર ભારતીય ઝળક્યા

બુધવારે ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમ સામેની વન-ડે મૅચમાં વૈભવ સૂર્યવંશી ઉપરાંત વિહાન મલ્હોત્રા (70 રન, 74 બૉલ, એક સિક્સર, સાત ફોર), વિકેટકીપર અભિજ્ઞાન કુન્ડુ (71 રન, 64 બૉલ, બે સિક્સર, પાંચ ફોર), કૅપ્ટન આયુષ મ્હાત્રે (4-0-27-3) અને ઑફ-સ્પિનર કનિષ્ક ચૌહાણ (10-1-50-2)ના પણ મહત્ત્વના યોગદાન હતા.

બન્ને ટીમના મરાઠી કૅપ્ટન બૅટિંગમાં નિષ્ફળ, બોલિંગમાં સફળ

ભારતની જુનિયર ટીમ બૅટિંગ મળ્યા પછી 49.4 ઓવરમાં 300 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ હતી. ઑસ્ટ્રેલિયાની જુનિયર ટીમ 47.2 ઓવરમાં બનેલા 249 રનના સ્કોર પર ઑલઆઉટ થતાં ભારતીય ટીમનો 51 રનથી વિજય થયો હતો. ભારતીય મૂળનો મરાઠી ખેલાડી યશ દેશમુખ ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમનો કૅપ્ટન છે અને ભારતનો સુકાની આયુષ મ્હાત્રે પણ મરાઠી છે. બન્ને સુકાની બૅટિંગમાં સારું નહોતા રમી શક્યા, પરંતુ બોલિંગમાં તેમણે વિકેટો લીધી હતી. લેગ-સ્પિનર યશ દેશમુખે 31 રનમાં ભારતની બે વિકેટ લીધા પછી એક રનમાં વિકેટ ગુમાવી હતી. ઑફ-સ્પિનર આયુષ મ્હાત્રેએ શૂન્યમાં આઉટ થયા પછી 27 રનમાં ઑસ્ટ્રેલિયાની ત્રણ વિકેટ લીધી હતી.
ઇન્ડિયા અન્ડર-19 ટીમે રવિવારની પ્રથમ વન-ડે મૅચ 117 બૉલ બાકી રાખીને સાત વિકેટના માર્જિનથી જીતી લીધી હતી. હવે 2-0થી ભારતે ટ્રોફી પર કબજો કરી લીધો છે અને છેલ્લી વન-ડે શુક્રવારે રમાશે.

આ પણ વાંચો : વૈભવ સૂર્યવંશીએ ગિલનો આઠ વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button