ઇંગ્લૅન્ડમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીનો જુનિયર ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ અને યંગેસ્ટનો વર્લ્ડ રેકૉર્ડ | મુંબઈ સમાચાર

ઇંગ્લૅન્ડમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીનો જુનિયર ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ અને યંગેસ્ટનો વર્લ્ડ રેકૉર્ડ

એક જ મૅચમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડીનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો

વુસેસ્ટર (ઇંગ્લૅન્ડ): ઇંગ્લૅન્ડના એજબૅસ્ટનમાં શુભમન ગિલના સુકાનમાં ટીમ ઇન્ડિયા યજમાન ટીમને મુસીબતના વધુને વધુ ઊંડા ખાડામાં ઊતારે છે અને બીજી બાજુ ભારતની મહિલા ખેલાડીઓ ઇંગ્લૅન્ડની વિમેન્સ ટીમ સામેની સિરીઝ જીતવાની તૈયારીમાં છે ત્યાં ત્રીજી તરફ ઇંગ્લૅન્ડના જ વુસેસ્ટરમાં ભારતના જુનિયર ખેલાડીઓ ધમાલ મચાવી રહ્યા છે જેમાં ખાસ કરીને 14 વર્ષના વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI)એ બધાનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. વૈભવ અન્ડર-19 એટલે કે જુનિયર ક્રિકેટરોની વન-ડે ફૉર્મેટનો ફાસ્ટેસ્ટ (FASTEST) અને યંગેસ્ટ (YOUNGEST) સેન્ચુરિયન બન્યો છે.

વૈભવ સૂર્યવંશીએ શુક્રવારે વુસેસ્ટરમાં ઇંગ્લૅન્ડની જુનિયર ટીમ સામેની વન-ડેમાં માત્ર બાવન બૉલમાં 100 રન પૂરા કર્યા હતા. તેણે પાકિસ્તાનના કામરાન ગુલામનો વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો છે. કામરાને 2013માં 53 બૉલમાં (ઇંગ્લૅન્ડ સામે) સદી ફટકારી હતી.

આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશીની રેકૉર્ડ-બ્રેક ઇનિંગ્સ: ભારતનો એવો પ્રથમ અન્ડર-19 બૅટ્સમૅન છે જેણે…

14 વર્ષના વૈભવે બાંગ્લાદેશના નજમુલ શૅન્ટોનો યંગેસ્ટ સેન્ચુરિયન તરીકેનો વિશ્વ વિક્રમ પણ તોડી નાખ્યો છે. નજમુલે અન્ડર-19માં પહેલી વન-ડે સદી ફટકારી હતી ત્યારે તેની ઉંમર 14 વર્ષ અને 241 દિવસની હતી. ગઈ કાલે વૈભવે 14 વર્ષ અને 100 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી.

https://twitter.com/BCCI/status/1941489931345625192

આઇપીએલમાં સૌથી નાની ઉંમરે સેન્ચુરી ફટકારવાના વિક્રમ બાદ વૈભવે એક જ અન્ડર-19 વન-ડેમાં સૌથી વધુ નવ સિક્સર ફટકારવાનો ભારતીય વિક્રમ તાજેતરમાં કર્યો હતો અને હવે એક જ દિવસે બે મોટી સિદ્ધિ મેળવી.

શનિવારે વૈભવે ઇંગ્લૅન્ડ અન્ડર-19 ટીમ સામે 78 બૉલમાં 10 સિક્સર અને 13 ફોરની મદદથી 143 રન કર્યા હતા. વિહાન (129 રન, 121 બૉલ, ત્રણ સિક્સર, પંદર ફોર) સાથે વૈભવની બીજી વિકેટ માટે 219 રનની ભાગીદારી થઈ હતી અને ભારતીય અન્ડર-19 ટીમે 50 ઓવરમાં નવ વિકેટે 363 રન કર્યા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button