વૈભવની તોફાની બૅટિંગ…આઠ છગ્ગા અને છ ચોગ્ગા સાથે સેન્ચુરી પૂરી કરી!

બેનોની (સાઉથ આફ્રિકા): અહીં સાઉથ આફ્રિકા સામેની મેન્સ અન્ડર-19 વન-ડે સિરીઝની પહેલી બન્ને મૅચ જીતીને 2-0થી વિજયી સરસાઈ મેળવી લેનાર ભારતની અન્ડર-19 ટીમને બુધવારે ત્રીજી અને અંતિમ મૅચમાં બૅટિંગ આપીને ભૂલ કરી હોવાનો પસ્તાવો યજમાન ટીમને થતો હશે, કારણકે 14 વર્ષીય ઓપનર અને કૅપ્ટન વૈભવ સૂર્યવંશી (127 રન, 74 બૉલ, દસ સિક્સર, નવ ફોર)એ જોરદાર ફટકાબાજી કરીને ભારતીય ટીમને ખૂબ જ સારી સ્થિતિમાં લાવી દીધી હતી. ભારતીય ટીમે નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટે 393 રન કર્યા હતા.
વૈભવે (Vaibhav) સેન્ચુરી પૂરી કરીને અભિનેતા અલ્લૂ અર્જુનની ` પુષ્પા’ સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું. મુખ્ય કૅપ્ટન આયુષ મ્હાત્રે ઈજાગ્રસ્ત હોવાથી આ શ્રેણીમાં નથી રમી રહ્યો અને તેની ગેરહાજરીમાં વૈભવ સુકાન સંભાળી રહ્યો છે. સિરીઝમાં આ પહેલાં તે એક હાફ સેન્ચુરી (68 રન) પણ ફટકારી ચૂક્યો છે.
HUNDRED FOR VAIBHAV SURYAVANSHI
— Sports Culture (@SportsCulture24) January 7, 2026
– Smashed 100* runs off 63balls vs SA U19.
– With 8 sixes and 6 fours. pic.twitter.com/al1eebWiVu
આ પણ વાંચો : વૈભવ સૂર્યવંશીએ 84 બોલમાં 190 રન ફટકાર્યા! 14 વર્ષની ઉંમરે આ દિગ્ગજોના વર્લ્ડ રેકોર્ડ તોડ્યા…
બુધવારની મૅચમાં લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન વૈભવ અને સાથી ઓપનર રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન આરૉન જ્યોર્જ (118 રન, 106 બૉલ, સોળ ફોર) વચ્ચે 227 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. અમદાવાદના વેદાંત ત્રિવેદીએ 34 રન અને વિકેટકીપર અભિજ્ઞાન કુન્ડુએ 21 રન કર્યા હતા.
વૈભવે 63 બૉલમાં આઠ છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી સેન્ચુરી (Century) પૂરી કરી હતી. તેણે 100માંથી 72 રન સિક્સર અને ફોરમાં બનાવ્યા હતા. 171.62 જેટલો ઊંચો તેનો સ્ટ્રાઇક-રેટ હતો. ખરું કહીએ તો વૈભવે સાઉથ આફ્રિકાના બોલર્સની બોલિંગ ઍનેલિસિસ બગાડી નાખી હતી. સાતમાંથી પાંચ બોલરની બોલિંગમાં 50થી વધુ રન બન્યા હતા. ઍન્ટેન્ડો સૉની નામની પેસ બોલરે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. વૈભવ પોતાના 127 રનના સ્કોર પર સૉનીના બૉલમાં કૅચઆઉટ થયો હતો.



