સ્પોર્ટસ

વૈભવ સૂર્યવંશીએ ગિલનો આઠ વર્ષ જૂનો રેકૉર્ડ તોડી નાખ્યો

ભારતની અન્ડર-19 ટીમે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝ 3-2થી જીતી લીધી

વુસેસ્ટરઃ ઇંગ્લૅન્ડમાં હાલમાં બે ભારતીય બૅટ્સમેનની બોલબાલા છે અને યોગાનુયોગ, એ બન્નેમાંથી એક ખેલાડીએ બીજા પ્લેયરનો જ રેકૉર્ડ તોડી નાખ્યો છે. આ વાત 14 વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી અને પચીસ વર્ષના શુભમન ગિલની છે જેમાં સૂર્યવંશીએ ગિલનો આઠ વર્ષ જૂનો વિક્રમ તોડી નાખ્યો છે.

વાત એવી છે કે ભારતની અન્ડર-19 ટીમે સોમવારે અહીં ઇંગ્લૅન્ડની અન્ડર-19 ટીમ સામેની સિરીઝની પાંચમી અને છેલ્લી વન-ડે મૅચ હારી ગઈ હતી, પરંતુ આયુષ મ્હાત્રેના સુકાનમાં ભારતીય ટીમે આ શ્રેણી 3-2થી જીતી લીધી હતી.

આપણ વાંચો: ઇંગ્લૅન્ડમાં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીનો જુનિયર ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ અને યંગેસ્ટનો વર્લ્ડ રેકૉર્ડ

આ સિરીઝમાં વૈભવ (Vaibhav) બૅટ્સમેનોમાં 355 રન સાથે મોખરે હતો, જ્યારે ઇંગ્લૅન્ડનો કૅપ્ટન થૉમસ રયૂ (280 રન) બીજા નંબર પર રહી ગયો હતો. વૈભવે 355 રન 71.00ની બૅટિંગ સરેરાશે અને 174.01ના સ્ટ્રાઇક-રેટ સાથે કર્યા હતા. વૈભવે 355 રન બનાવીને શુભમન ગિલ (Gill)ને પાછળ પાડી દીધો છે.

https://twitter.com/WorcsCCC/status/1941473316872835126

ઇંગ્લૅન્ડ સામે અન્ડર-19 યુથની વન-ડે સિરીઝ (Series)માં સૌથી વધુ રન કરવાનો વિક્રમ આ પહેલાં ગિલના નામે હતો જેણે 2017માં (આઠ વર્ષ પહેલાં) ઇંગ્લૅન્ડ અન્ડર-19 ટીમ સામેની જ સિરીઝમાં કુલ 351 રન કર્યા હતા.

હવે વૈભવ 355 રન સાથે નંબર-વન થઈ ગયો છે. ત્રીજા નંબરે અંબાતી રાયુડુ છે જેણે 2002માં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં 291 રન કર્યા હતા. ચોથા સ્થાને ફરી એક વખત શુભમન ગિલ છે જેણે ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીમાં 278 રન બનાવ્યા હતા અને 244 રન સાથે આદિત્ય શ્રીકાંત પાંચમા ક્રમે છે.

આપણ વાંચો: વૈભવ સૂર્યવંશીની રેકૉર્ડ-બ્રેક ઇનિંગ્સ: ભારતનો એવો પ્રથમ અન્ડર-19 બૅટ્સમૅન છે જેણે…

વૈભવ સૂર્યવંશીએ સોમવારે ઇંગ્લૅન્ડ અન્ડર-19 ટીમ સામે પૂરી થયેલી પાંચ વન-ડેની શ્રેણીમાં આ મુજબ રન કર્યા હતાઃ 48 રન, 45 રન, 86 રન, 143 રન અને 33 રન. વૈભવે ચોથી વન-ડેમાં જે 143 રન કર્યા હતા એ ઇનિંગ્સમાં તેણે માત્ર બાવન બૉલમાં 100 રન પૂરા કર્યા હતા જે યુથ વન-ડેમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી (સૌથી ઓછા બૉલમાં સદી)નો વિક્રમ છે.

વૈભવ ઇંગ્લૅન્ડ અન્ડર-19 સિરીઝ દરમ્યાન ફુલ ફૉર્મમાં હતો ત્યારે થોડા દિવસના બે્રક દરમ્યાન બીસીસીઆઇની સૂચના મુજબ તે એજબૅસ્ટનમાં ટીમ ઇન્ડિયાની મૅચ જોવા આવ્યો હતો.

બીસીસીઆઇએ તેને શુભમન ગિલની બૅટિંગ સ્ટેડિયમમાં બેસીને જોવાની સલાહ આપી હતી અને ત્યારે વૈભવ તેના કૅપ્ટન આયુષ મ્હાત્રે તેમ જ ટીમના અન્ય ખેલાડીઓ સાથે એક સ્ટૅન્ડમાં બેઠેલો જોવા મળ્યો હતો. યોગાનુયોગ, વૈભવે અન્ડર-19 યુથ વન-ડેની સિરીઝમાં સૌથી વધુ રન કરવાનો ગિલનો જ વિક્રમ તોડી નાખ્યો છે.

વૈભવે આ પહેલાં આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી સાત મૅચમાં 206.55ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 255 રન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button