અકરમે પાકિસ્તાનના `મિસ્ટરી સ્પિનર’ પરથી પડદો હટાવ્યોઃ ભારતને કેમ આ બોલર ભારે પડી શકે?

લાહોરઃ આગામી ફેબ્રુઆરીમાં ભારત અને શ્રીલંકામાં રમાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ (World Cup)માં ટીમ ઇન્ડિયા ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમશે એ પાકિસ્તાન માટે ઇર્ષ્યાનું કારણ છે જ, ગયા વર્ષના ટી-20 એશિયા કપમાં ટીમ ઇન્ડિયાના હાથે ત્રણ-ત્રણ થપાટ ખાધી એનો આઘાત પણ પાકિસ્તાન હજી ભૂલ્યું નહીં હોય એટલે સ્વાભાવિક છે કે આગામી વિશ્વ કપમાં ભારતને નમાવવા એ કોઈને કોઈ નવા `શસ્ત્ર’ સાથે મેદાન પર ઉતરશે જ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન વસીમ અકરમે અત્યાર સુધી છૂપા રાખવામાં આવેલા એવા એકશસ્ત્ર’ની જ વાત કરી છે.
ઉસ્માન તારીકથી સૌ કોઈ ચેતશે
વસીમ અકરમે (Akram) સરપ્રાઇઝ વેપન પરથી પડદો ઉઠાવતા કહ્યું છે કે ` અમારો ઉસ્માન તારીક (Usman Tariq) નામનો રાઇટ-આર્મ સ્પિનર વર્લ્ડ કપમાં હરીફ ટીમોને ભારે પડશે. સામાન્ય રીતે હરીફ ટીમોના બૅટ્સમેનોને આવા છૂપા બોલર સામે રમવામાં તકલીફ થતી હોય છે. એક તો તેમને આવા બોલરના બહુ ઓછા વીડિયો ફૂટેજ જોવા મળ્યા હોય છે અને બીજું, આ બોલર સામે રમવાનો તેમને ખાસ કંઈ અનુભવ પણ નથી હોતો.’
આ પણ વાંચો: પાકિસ્તાનના કૅપ્ટને હાર્દિક-કાર્તિકની મજાક ઉડાવી એટલે મીડિયામાં બરાબરનો નિશાન બન્યો
સાતમી ફેબ્રુઆરીએ શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં ભારતની પાકિસ્તાન સામેની મૅચ 15મી ફેબ્રુઆરીએ (સાંજે 7.00 વાગ્યાથી) કોલંબોમાં રમાશે. વર્લ્ડ કપ ટૂર્નામેન્ટોમાં પાકિસ્તાન સામે ભારતનો હાથ મોટા ભાગે ઉપર રહ્યો છે, પણ ભારતે ઉસ્માન તારીકથી સંભાળવાનું કારણ એ છે કે સ્પિન બોલિંગ સામે રમવામાં ભારતીય બૅટ્સમેનો થોડા દિવસથી નબળા પુરવાર થયા છે.
તારીકને મેન્ડિસ સાથે સરખાવ્યો
અકરમે સ્પિનર ઉસ્માન તારીકની સરખામણી શ્રીલંકાના ભૂતપૂર્વ મિસ્ટરી સ્પિનર’ તરીકે ઓળખાતા અને કૅરમ બૉલના સ્પેશ્યાલિસ્ટ અજંથા મેન્ડિસ સાથે કરી છે. અકરમ કહે છે, અજંથા મેન્ડિસે 2008માં સૌને સ્તબ્ધ કરી દીધા હતા. તેણે બોલિંગમાં વિવિધતા અજમાવતા રહીને મોટા-મોટા બૅટ્સમેનોને મુસીબતમાં મૂકી દીધા હતા. અમારો તારીકમાં મેન્ડિસ જેવી જ ખાસિયતો છે અને પરિસ્થિતિ માફક આવશે તો તે ઘણી મૅચોમાં વર્ચસ્વ જમાવી શકે એમ છે.’
સ્પિનર ઉસ્માન તારીકની બોલિંગ-સ્ટાઇલ પણ અસાધારણ છે અને તે કેવા પ્રકારનો બૉલ ફેંકશે એ પારખવું બૅટ્સમૅન માટે અઘરું થઈ જાય છે. તે ઝિમ્બાબ્વે સામેની એક મૅચમાં હૅટ-ટ્રિક લઈ ચૂક્યો છે તેમ જ ઘણી ટી-20 લીગ મૅચોમાં કુલ 40 મૅચમાં 65 વિકેટ સાથે ઘણા નિષ્ણાતોને પ્રભાવિત પણ કરી ચૂક્યો છે.



