વિશ્વના ફાસ્ટેસ્ટ રનર બૉલ્ટને હવે દાદર ચઢતી વખતે શ્વાસ ચડે છે!

કિંગસ્ટનઃ માણસ કેટલું ઝડપથી દોડી શકે? એના પર જ્યારે પણ ચર્ચા થાય ત્યારે જમૈકાના ઉસેન બૉલ્ટ (Usain Bolt)નું નામ તરત હોઠ પર આવી જાય છે, કારણકે વર્ષોથી તે જ વિશ્વનો સૌથી ઝડપી રનર છે અને તેનું નામ સ્પીડ સાથે એટલું બધુ જોડાઈ ગયું છે કે આબાલવૃદ્ધ સૌ તેનાથી પરિચિત છે. જોકે ચોંકાવવાની સાથે આઘાત અપાવનારી એક વાત એ છે કે બૉલ્ટ હવે જો ઊંચા દાદર ચઢે તો તેને શ્વાસ ચડે છે.
` લાઇટનિંગ બૉલ્ટ’ તરીકે જાણીતો આ ફાસ્ટેસ્ટ રનર નિવૃત્ત થયો એને આઠ વર્ષ થઈ ગયા એમ છતાં 100 મીટર (100m)ની દોડમાં તેનો 9.58 સેકન્ડનો વર્લ્ડ રેકૉર્ડ હજી સુધી કોઈ તોડી નથી શક્યું. 4 બાય 100 મીટર રિલેમાં તેનો 36.84 સેકન્ડનો વિશ્વવિક્રમ છે.
બે પ્રકારની ઈજાએ નિવૃત્તિ લેવડાવી
39 વર્ષના વર્લ્ડ નંબર રનર બૉલ્ટની હાઇટ છ ફૂટ પાંચ ઇંચ અને વજન 94 કિલો છે. તે ફિટનેસ જાળવવા દરરોજ જિમ્નેશ્યમમાં જાય છે, વર્ક-આઉટ કરે છે, ડાયટ વિશે ખાસ કાળજી લે છે અને દિવસ દરમ્યાન પણ હળવી કસરતો કર્યા કરે છે. બૉલ્ટ ખાસ કરીને પગ અને કરોડરજ્જુના દુખાવાને કારણે વહેલો રિટાયર થઈ ગયો છે.
ટોક્યોની સ્પર્ધા પ્રેક્ષક તરીકે માણે છે
બૉલ્ટ ટોક્યોમાં વર્લ્ડ ઍથ્લેટિક ચૅમ્પિયનશિપની હરીફાઈઓ સ્ટેડિયમમાં બેસીને માણવાનું ચૂક્યો નથી. તેણે એક વિદેશી અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહે છે, ` જિમ્નેશ્યમમાં વર્ક-આઉટ કરવાની મને કોઈ ઘેલછા નથી, પણ દરરોજ માત્ર વર્ક-આઉટ જ કરું છું એટલે થોડી તકલીફ થાય છે. ઘણા સમયથી લાંબું દોડવાનું સાવ બંધ કરી દીધું છે. મને લાગે છે કે મારે ફરી રનિંગ શરૂ કરવું છે, કારણકે જ્યારે પણ દાદર ચઢું છું ત્યારે થોડી શ્વાસની તકલીફ થઈ જાય છે. શ્વાસ લેવામાં થોડી મુશ્કેલી અનુભવું છું. જોકે હું ફરી રાબેતા મુજબ લાંબા લૅપમાં દોડવાનું શરૂ કરીશ ત્યારે બધું ઠીક થઈ જશે. મારે મારી શ્વસનક્રિયાને થોડી ઠીક કરવાની છે, બસ. આસાનીથી દાદર નથી ચડી શકતો.’
Bolt struggles with stairs #UsainBolt #Athletics #SportsNews #RetiredLife #Inspiration #ViralNews pic.twitter.com/J0lQtoCPmT
— Laughing Colours (@LaughingColours) September 17, 2025
સીધા સવાલનો શું જવાબ આપ્યો?
હવેના જમાનામાં તો રનર્સને અત્યાધુનિક ઢબના સ્પાઇક્સ પહેરવા મળે છે અને રનિંગ ટ્રૅક પણ અવ્વલ દરજ્જાના હોય છે એમ છતાં કેમ હાલના પુરુષ દોડવીરો તમારી પેઢીના રનર્સની બરાબરી નથી કરી શકતા? એવા સવાલના જવાબમાં બૉલ્ટે સીધો સટ જવાબ આપતા કહ્યું, ` તમારે ખરો જવાબ જાણવો છે? હું ફક્ત એટલું જ કહીશ કે અમે વધુ ટૅલન્ટેડ હતા.’
આ પણ વાંચો : ક્રિસ ગેઇલે નિવૃત્ત રનર ઉસેન બોલ્ટને પડકારતા કહ્યું, ‘મારી સામે 100 મીટરની રેસ જીતી બતાવ’
બૉલ્ટ ઍથ્લેટિક્સમાં પોતાના સ્થાન બાબતમાં એકદમ સ્પષ્ટ છે. તે કહે છે, ` હું જ્યારે દોડતો ત્યારે અમુક સીમાચિહ્નો પાર કરવા અથાક પ્રયત્ન કરતો. હવે હું પોતે જ્યારે રિટાયર થઈ ચૂક્યો છું ત્યારે પોતે જ એક બેન્ચમાર્ક બની ગયો છું એ જાણીને આનંદ થાય છે. તમે જો બેસ્ટ બનવા માગશો તો એ પણ ઇચ્છશો કે તમારી ગણના લેજન્ડ તરીકે થાય. હું અમુક ખાસ ઉચ્ચ ધોરણો સ્થાપિત કરવા માગતો હતો અને એ કરીને જ રહ્યો જેની મને બેહદ ખુશી છે.’