USA vs BAN: T20 વર્લ્ડ કપ પહેલા અમેરિકાએ બાંગ્લાદેશને હરાવી ઈતિહાસ અપસેટ સર્જ્યો, પૂર્વ ભારતીય ખેલાડી રહ્યો હીરો
હ્યુસ્ટન: જુન મહિનાની શરૂઆત સાથે જ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝની ધરતી પર T20 વર્લ્ડ કપ 2024(T20 world cup)ની શરૂઆત થઇ જશે. અમેરિકા પહેવાર ક્રિકેટના મોટા ટુર્નામેન્ટની યજમાની કરી રહ્યું છે, એવામાં T20 વર્લ્ડ કપ 2024ની શરૂઆતના લગભગ 2 અઠવાડિયા પહેલા યજમાન અમેરિકાની ક્રિકેટ ટીમ(USA cricket team)એ ઈતિહાસ રચ્યો છે. અમેરિકાએ બાંગ્લાદેશ(Bangladesh) સામેની 3 મેચની T20 સિરીઝના પ્રથમ મેચમાં જીત મેળવી છે. યુએસની ટીમે બાંગ્લાદેશને 5 વિકેટે હરાવીને અપસેટ સર્જ્યો હતો.
યુએસ ક્રિકેટ ટીમની આ જીતનો હીરો રહ્યો હતો હરમીત સિંહ(Harmeet singh) રહ્યો. તેણે 13 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી. આ 31 વર્ષનો ખેલાડી ભારતીય મૂળનો છે. તેણે અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ સિવાય તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સનો પણ ભાગ રહી ચૂક્યો છે. તે 2012માં ઉન્મુક્ત ચંદની કેપ્ટનશિપ હેઠળ ચેમ્પિયન બનેલી ભારતીય અંડર-19 ટીમનો ભાગ હતો. ઉન્મુક્ત પણ અમેરિકામાં ક્રિકેટ રમી રહ્યો છે, પરંતુ તેને T20 વર્લ્ડ કપ 2024 માટેની યુએસની નેશનલ ટીમમાં પસંદ કરવામાં આવ્યો નથી.
હ્યુસ્ટનના પ્રેરી વ્યુ ક્રિકેટ કોમ્પ્લેક્સમાં યુએસએએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 153 રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશના તૌહિદ હૃદયે 58 રન બનાવ્યા હતા. મહમુદુલ્લાહે 31 રન બનાવ્યા હતા. સૌમસ સરકારે 20 અને લિટન દાસે 14 રન બનાવ્યા હતા. અમેરિકા તરફથી સ્ટીવન ટેલરે 2 વિકેટ લીધી હતી. સૌરભ નેત્રાવલકર, અલી ખાન અને જેસી સિંહે 1-1 વિકેટ લીધી હતી.
અમેરિકાએ 154 રનનો ટાર્ગેટ 19.3 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. કોરી એન્ડરસને 25 બોલમાં અણનમ 34 રન બનાવ્યા હતા. હરમીત સિંહે 13 બોલમાં અણનમ 33 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 56 રનની પાર્ટનરશીપ કરી હતી. ઓપનર સ્ટીવન ટેલરે 28 રન અને કેપ્ટન મોનાંક પટેલે 12 રન બનાવ્યા હતા. એન્ડ્રેસ ગૌસે 23 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશ તરફથી મુસ્તાફિઝુર રહેમાને 2 વિકેટ લીધી હતી. શોરીફુલ ઈસ્લામ અને રાશિદ હોસૈને 1-1 વિકેટ લીધી હતી.
આ પણ વાંચો: IPL-24 : બેકાબૂ બેન્ગલૂરુ (RCB)ને રાજસ્થાન (RR) રોકી શકશે?
સિરીઝની બીજી મેચ 23 મેના રોજ અને ત્રીજી મેચ 25મી મેના રોજ રમાશે.
બંને ટીમો વચ્ચે રમાયેલી આ પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચ હતી. આવી સ્થિતિમાં અમેરિકાની જીત ઐતિહાસિક રહી, કરણ કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની પૂર્ણ સભ્ય ટીમ સામે અમેરિકાની આ બીજી જીત છે. અગાઉ યુએસની ટીમે 2021માં આયર્લેન્ડને હરાવ્યું હતું.