ઉર્વિલ પટેલે અક્ષર પટેલને અપાવી વધુ એક ધમાકેદાર જીત, હાર્દિક પંડ્યાનો રેકૉર્ડ તોડી નાખ્યો
ઓપનિંગ બૅટરે ત્રણ મૅચમાં ફટકારી 24 સિક્સર, ગુજરાતની ટીમ ગ્રૂપ `સી'માં મોખરે થઈ

ઇન્દોરઃ મહેસાણામાં જન્મેલા અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત વતી રમતા 26 વર્ષના રાઇટ-હૅન્ડ બૅટર ઉર્વિલ પટેલ ભારતીય ક્રિકેટમાં અત્યારે ટૉક ઑફ ધ ટાઉન છે. ગયા બુધવારે ઇન્દોરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20 ટૂર્નામેન્ટમાં ત્રિપુરા સામેની મૅચમાં ફક્ત 28 બૉલમાં ફાસ્ટેસ્ટ ટી-20 સેન્ચુરીનો ભારતીય વિક્રમ રચ્યો એ પછી સાતમા દિવસે (મંગળવારે) તેણે વધુ એક આક્રમક સેન્ચુરી ફટકારી હતી જેમાં તેણે ઉત્તરાખંડ સામે 38 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી.
ઑલરાઉન્ડર અક્ષર પટેલ ગુજરાતનો કૅપ્ટન છે અને તેની ટીમ છમાંથી પાંચ જીત સાથે ગ્રૂપ `સી’માં અવ્વલ થઈ ગઈ છે. ઉર્વિલે વર્તમાન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો બરોડાના હાર્દિક પંડ્યાનો વિક્રમ તોડી નાખ્યો છે. હાર્દિકના નામે 20 છગ્ગા છે, જ્યારે ઉર્વિલ પચીસ સિક્સર સાથે મોખરે થઈ ગયો છે. હૈદરાબાદનો તિલક વર્મા 17 સિક્સર સાથે ત્રીજા નંબરે છે.
આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયાના ક્રિકેટ-લેજન્ડનું નિધન, શાનદાર કારકિર્દીમાં 15,000થી પણ વધુ રન બનાવેલા…
ઉર્વિલ મુકેશ પટેલ (115 અણનમ, 41 બૉલ, અગિયાર સિક્સર, આઠ ફોર)ની સદીની મદદથી મંગળવારે ગુજરાતે અહીં ઉત્તરાખંડ સામેની મૅચ 41 બૉલ બાકી રાખીને આઠ વિકેટના માર્જિનથી જીતી લીધી હતી. ઉત્તરાખંડે વિકેટકીપર આદિત્ય તરેના 54 રન અને રવિકુમાર સમર્થના 54 રનની મદદથી 20 ઓવરમાં સાત વિકેટે 182 રન બનાવ્યા હતા. ગુજરાતના વિશાલ જયસ્વાલની ચાર વિકેટ અને અર્ઝાન નાગવાસવાલાની બે વિકેટ તથા હેમાંગ પટેલની એક વિકેટ બદલ ઉત્તરાખંડની ટીમ કાબૂમાં રહી હતી. ગુજરાતે ઉર્વિલના અણનમ 115 રન ઉપરાંત કૅપ્ટન અક્ષર પટેલના બે સિક્સરથી બનેલા અણનમ 28 રન તથા ઓપનર આર્ય દેસાઈના 23 રનની મદદથી ફક્ત 13.1 ઓવરમાં બે વિકેટે 185 રન બનાવીને શાનદાર વિજય મેળવી લીધો હતો.
ઉર્વિલ પટેલની ત્રણ મૅચમાં આ બીજી સેન્ચુરી હતી. ગયા બુધવારે તેણે ત્રિપુરા સામે 28 બૉલમાં સદી ફટકારવાની સાથે કુલ 35 બૉલમાં બાર સિક્સર અને સાત ફોર સાથે અણનમ 113 રન બનાવ્યા હતા. ગુજરાતે એ મૅચ 58 બૉલ બાકી રાખીને આઠ વિકેટે જીતી લીધી હતી. 29મી નવેમ્બરે તામિલનાડુ સામે ગુજરાત 19 રનથી જીત્યું હતું, અને એમાં ઉર્વિલ એક સિક્સર તથા બે ફોર સાથે 26 રન બનાવ્યા હતા. હવે મંગળવારે તેણે વધુ એક ધમાકેદાર સેન્ચુરી ફટકારી અને સાત દિવસમાં તેણે ત્રણ મૅચમાં કુલ મળીને 24 સિક્સર ફટકારી છે અને આખી ટૂર્નામેન્ટમાં તેના નામે પચીસ છગ્ગા છે.