પોર્ટુગલ-લિવરપુલના જાણીતા ફૂટબૉલર ડિયોગો જૉટા અને તેના ભાઈનું કાર અકસ્માતમાં મૃત્યુ
હજી 10 દિવસ પહેલાં જ ફૂટબોલરના લગ્ન થયા હતા

મૅડ્રિડ (સ્પેન): પોર્ટુગલના 28 વર્ષની ઉંમરના જાણીતા ફૂટબૉલ ખેલાડી ડિયોગો જૉટા (Diogo Jota) અને તેના ભાઈનું ગુરુવારે સ્પેનમાં કાર અકસ્માતમાં (Car accident) મૃત્યુ થયું હતું. તેઓ લમ્બોર્ગિની (Lamborghini) કારમાં જઈ રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત નડ્યો હતો અને કાર ભડકે બળવા લાગી હતી.
કાર આગની લપેટમાં આવ્યા બાદ આગની જ્વાળા આજુબાજુના ઝાડ અને છોડવાઓ સુધી પણ પહોંચી હતી. આગને ઠારવા તાબડતોબ ફાયરફાઇટર્સને બોલાવવામાં આવ્યા હતા.
સ્પૅનિશ સિવિલ ગાર્ડે ઍસોસિયેટેડ પ્રેસ (એપી)ને સમર્થન આપતા જણાવ્યું હતું કે ડિયોગો જૉટા અને તેના નાના ભાઈ તથા પોર્ટુગલના જાણીતા ફૂટબૉલ ખેલાડી પચીસ વર્ષીય આન્દ્રે સિલ્વાનું પણ આ દુર્ઘટનામાં મૃત્યુ થયું છે.
આપણ વાંચો: ‘યુરોપમાં ક્રિકેટની મૅચો કોઈ નથી જોતું’…જાણીતા ફૂટબૉલ ખેલાડીએ આવો બફાટ કર્યો
હજી 10 દિવસ પહેલાં ડિયોગો જૉટાના લગ્ન થયા હતા. જૉટા અને તેની પાર્ટનર રુટ (Rut) કાર્ડોસો 10 વર્ષથી એકમેકની રિલેશનશિપમાં હતા અને તેમને ત્રણ બાળકો છે જેમાંના ત્રીજા બાળકનો હજી ગયા વર્ષે જન્મ થયો હતો. જૉટા-રુટે લગ્ન બાદ સોશિયલ મીડિયાની પોસ્ટમાં લખ્યું હતું, ` અમે જીવનભર એકમેકની સાથે રહેવા વચનબદ્ધ છીએ.’
જૉટા અને વિશ્વવિખ્યાત ફૂટબૉલ પ્લેયર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોર્ટુગલ અને લિવરપુલ ટીમ વતી ઘણી મૅચો સાથે રમ્યા હતા. રોનાલ્ડોએ સાથી ખેલાડી જૉટાના મૃત્યુ વિશે આઘાત અને શોક વ્યક્ત કર્યા હતા.
પોલીસે આપેલી માહિતી મુજબ બુધવારની મધરાત બાદ આ કારનો અકસ્માત કયા કારણસર થયો એની તપાસ થઈ રહી છે. પોલીસે પત્રકારોને કહ્યું હતું કે અકસ્માત વખતે જૉટા-આન્દ્રેની લમ્બોર્ગિની કારની આસપાસ બીજું કોઈ જ વાહન નહોતું. બન્ને ભાઈના મૃતદેહને ફૉરેન્સિક તપાસ માટે લૅબમાં મોકલવામાં આવ્યા હતા.
આપણ વાંચો: બર્થ-ડે બૉય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનો હુંકાર…`ગ્રેટેસ્ટ ફૂટબૉલ ખેલાડી તો હું જ છું’
આ અકસ્માત સ્પેનમાં ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા જમોરા શહેર નજીક થયો હતો. કરોડો રૂપિયાની કિંમતની તેમની કાર અચાનક નજીકના થોડા નીચા રસ્તા પર ફંટાઈ ગઈ હતી. કાર પલટી ખાઈ જતાં અકસ્માત થયો હતો અને કાર ભળકે બળવા લાગી હતી.
પ્રાથમિક અહેવાલ મુજબ કાર કોણ ચલાવી રહ્યું હતું એ નહોતું જાણવા મળ્યું, પરંતુ કારમાં જૉટા અને તેનો ભાઈ આન્દ્રે, બે જ જણ હતા. બીજી એક થિયરી એવી છે કે હાઇવે નજીકના રોડ પર જૉટા-આન્દ્રેની કાર અન્ય કોઈ વાહનને ઓવરટેક કરવા ગઈ ત્યારે કારનું ટાયર ઓચિંતુ ફાટયું હતું અને કાર બાજુના રસ્તા પર ફંટાઈ જતાં ગમખ્વાર અકસ્માત થયો હતો.
સ્પૅનિશ મીડિયામાં પ્રગટ થયેલી વીડિયો ઇમેજિસ પરથી એવું જણાતું હતું કે રસ્તા પર જૉટા-આન્દ્રેની કારના બે્રક નજીકના ટાયરની છાપ પડી ગઈ છે અને કાર એ છાપથી થોડા મીટર દૂર પડી હતી.
આપણ વાંચો: ફૂટબૉલ ખેલાડી ઇંગ્લિશ પ્રીમિયર લીગમાં રમ્યા અને હવે બની ગયા આ દેશના પ્રમુખ!
પોર્ટુગલને ગયા મહિને ટ્રોફી અપાવી
ફૉર્વર્ડ પ્લેયર જૉટાએ લિવરપુલ વતી 123 મૅચમાં 47 ગોલ કર્યા હતા. તેણે પ્રોફેશનલ ફૂટબૉલમાં કુલ 302 મૅચમાં 102 ગોલ કર્યા હતા. પોર્ટુગલ વતી તેણે 49 મૅચમાં 14 ગોલ કર્યા હતા. હજી ગયા મહિને તેણે પોર્ટુગલને નૅશન્સ લીગની ટ્રોફી અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.
લિવરપુલની ટીમ સાથે જૉટા પાંચ વર્ષથી સંકળાયેલો હતો. આ ટીમની લિવરપુલ ક્લબે મીડિયામાં જણાવ્યું હતું કે ` જૉટા અસાધારણ ખેલાડીથી પણ વિશેષ હતો. ટીમમાં બધા ખેલાડીઓ તેમ જ કોચ સહિતના અધિકારીઓમાં તે પ્રિય હતો.’
સ્વિટઝરલૅન્ડમાં મહિલાઓની યુરોપિયન ચૅમ્પિયનશિપમાં પોર્ટુગલ-સ્પેન વચ્ચેની મૅચ પહેલાં જૉટા અને તેના ભાઈ આન્દ્રેને અંજલિ આપવા એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
પોર્ટુગલના વડા પ્રધાન શોકગ્રસ્ત
પોર્ટુગલના વડા પ્રધાન લુઇસ મૉન્ટેનેગ્રોએ મીડિયાની પોસ્ટમાં જૉટા અને આન્દ્રેના અકસ્માતની ઘટના વિશે આઘાત વ્યક્ત કરતા લખ્યું હતું, ` માનવામાં ન આવે એવી દુર્ઘટના બની ગઈ. જૉટા અને તેના ભાઈના મૃત્યુથી હું ખૂબ આઘાતગ્રસ્ત છું.
જૉટા એવો ઍથ્લીટ-ફૂટબોલર હતો જેણે દુનિયામાં પોર્ટુગલનું નામ રોશન કર્યું હતું. સૉકર જગત માટે આ ખૂબ ખરાબ દિવસ છે. જૉટા-આન્દ્રેના પરિવારને ઈશ્વર આ આપત્તિનો સામનો કરવાની હિંમત આપે એવી પ્રાર્થના કરું છું.’
હજી ગયા મહિને અમે સાથે રમ્યાઃ રોનાલ્ડો
પોર્ટુગલના સૉકર સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ ફેસબુક પેજ પરના શોકસંદેશમાં લખ્યું હતું કે ` જૉટા અને તેનો ભાઈ આન્દ્રે આ અકસ્માતનો ભોગ બન્યા એ હજી મારા માનવામાં જ નથી આવતું. હજી ગયા મહિને હું અને જૉટા પોર્ટુગલની ટીમ વતી રમ્યા હતા અને થોડા દિવસ પહેલાં તો તેના લગ્ન થયા હતા.
આ શું થઈ ગયું એ જ નથી સમજાતું. તેની પત્ની, બાળકો અને સમગ્ર પરિવારને હું દિલસોજી પાઠવું છું. જૉટા અને આન્દ્રેના આત્માને શાંતિ મળે એ જ પ્રાર્થના. વી વિલ મિસ યુ.’
સ્પેનના વિખ્યાત ટેનિસ પ્લેયર રાફેલ નડાલ તેમ જ જાણીતા બાસ્કેટબૉલ ખેલાડી લેબ્રોન જેમ્સ સહિત અનેક ખેલાડીઓ અને ઍથ્લીટોએ પણ મીડિયામાં જૉટા અને આન્દ્રેને અંજલિ આપી હતી.