ભારતની 17 વર્ષની ઉન્નતિએ સિંધુને હરાવી, હવે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સાથે ટકરાશે | મુંબઈ સમાચાર

ભારતની 17 વર્ષની ઉન્નતિએ સિંધુને હરાવી, હવે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સાથે ટકરાશે

ચાન્ગઝોઉઃ હરિયાણાના રોહતકની 17 વર્ષની ઉન્નતિ હૂડા (Unnati Hooda)એ અહીં ચાઇના ઓપન (China Open)સુપર નામની બૅડમિન્ટન સ્પર્ધામાં ભારતની જ પીઢ ખેલાડી અને બે ઑલિમ્પિક મેડલ જીતી ચૂકેલી પી. વી. સિંધુને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ઉન્નતિએ બીજી જ વાર સિંધુ (PV Sindhu)નો સામનો કર્યો હતો અને તેને 73 મિનિટમાં હરાવીને સુપર-1000 કૅટેગરીની ઇવેન્ટની ક્વૉર્ટરમાં પહેલી જ વાર એન્ટ્રી કરી હતી.

ઉન્નતિનો સિંધુ સામે 21-16, 19-21, 21-13થી વિજય થયો હતો. હવે ઉન્નતિ ક્વૉર્ટરમાં સિંધુની જ કટ્ટર હરીફ અને જાપાનની અકેન યામાગુચી સામે રમશે. યામાગુચી આ સ્પર્ધામાં થર્ડ-સીડેડ છે અને બે વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકી છે.

આ પણ વાંચો: પી.વી. સિંધુને પૅરિસ ઑલિમ્પિક્સ કેમ વધુ પડકારરૂપ લાગે છે?

https://twitter.com/BAI_Media/status/1948337098739593545

ખુદ ઉન્નતિ ગુરુવારે સિંધુ સામેના વિજય બાદ આશ્ચર્યચકિત હતી. તેણે પત્રકારોને કહ્યું હતું કે ` હું મારી સર્વશ્રેષ્ઠ ક્ષમતાથી રમવાના દૃઢ નિર્ધાર સાથે આ મૅચમાં રમવા આવી હતી, પણ હું જીતીશ એવું મેં ધાર્યું જ નહોતું. હું સિંધુ જેવી નામાંકિત ખેલાડી સામે જીતી એ બદલ ગર્વ અનુભવું છું.’

સિંધુએ મૅચ પછી કહ્યું, ` ઉન્નતિ ખૂબ સારું રમી. તે ઊભરતી ખેલાડી છે. હું તેને ભવિષ્ય માટે શુભેચ્છા આપું છું.’

પુરુષોની સિંગલ્સમાં એચ. એસ. પ્રણોય બીજા રાઉન્ડમાં ચાઇનીઝ તાઇપેઇના ચોઉ ટિએન ચેન સામે પ્રથમ ગેમ જીત્યા બાદ બીજી બે ગેમમાં 15-21, 8-21થી હારી ગયો હતો. જોકે પુરુષોની ડબલ્સમાં ભારતના સાત્વિકસાઇરાજ રૅન્કિરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ ઇન્ડોનેશિયાના લીઓ રૉલી કાર્નેન્ડો અને બાગાસ મૌલાનાને 21-19, 21-19થી હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button