સ્પોર્ટસ

વલસાડનો હેનિલ પટેલ કયા વિદેશી ખેલાડીનો ડાઇ-હાર્ડ ફૅન છે?

બુલવૅયોઃ ગુરુવારે અહીં અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપમાં ભારતે અમેરિકા (USA) સામે સૌથી પહેલી મૅચમાં છ વિકેટે જે જીત મેળવી એ વિજયનો સૂત્રધાર હતો વલસાડનો પેસ બોલર હેનિલ પટેલ (HENIL PATEL)જેણે સાઉથ આફ્રિકાના મહાન ફાસ્ટ બોલર ડેલ સ્ટેનની કરીઅરને ફૉલો કરી અને હવે જુનિયર વિશ્વ કપમાં શરૂઆતથી જ ધમાલ મચાવી રહ્યો છે.

મૅન ઑફ ધ મૅચ હેનિલ પટેલે અમેરિકાની પાંચ વિકેટ માત્ર 16 રનમાં લીધી હતી. તેણે મૅચ પછી કહ્યું, ` હું ડેલ સ્ટેનના પિચ પરના આક્રમક અભિગમથી ખૂબ પ્રભાવિત થયો છું. તેની બોલિંગ એટલી બધી અસરદાર હતી કે ભલભલો સારો બૅટ્સમૅન તેનો આસાનીથી સામનો નહોતો કરી શકતો. સ્ટેનની બોલિંગનો સામનો કરવો દરેક બૅટ્સમૅન માટે કપરું કામ હતું.’

CRICSHOTS

ભારતને 108 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જોકે વરસાદ અને બૅડ લાઇટની સમસ્યાને પગલે ભારતને 37 બૉલમાં જીતવા 96 રનનો ટાર્ગેટ અપાયો હતો. ભારતે ચાર વિકેટના ભોગે 99 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. એ પહેલાં, અમેરિકાને માત્ર 107 રનના ટોટલ પર ઑલઆઉટ કરાવવામાં હેનિલ પટેલ (7-1-16-5)નું સૌથી મોટું યોગદાન હતું. તેણે પાંચમાંથી ત્રણ વિકેટ નવા બૉલથી લીધી હતી. તેના તરખાટને કારણે અમેરિકાની ટીમનો સ્કોર 4/34 થઈ ગયો હતો.

હેનિલે એવું પણ કહ્યું, ` જે બૅટ્સમૅન મારી સામે રમે તેને ત્રણથી ચાર બૉલમાં આઉટ કરી દેવાનું હું પ્લાનિંગ કરતો હોઉં છું. બીજી રીતે કહું તો હું ટીમને બને એટલી વહેલી વિકેટ અપાવી દેવાનો પ્રયત્ન કરું છું. હું આ જ માનસિકતા સાથે રમતો હોઉં છું, પણ મગજ શાંત રાખીને. ટ્રેઇનિંગ અને પ્રૅક્ટિસમાં પણ મારો આ જ અભિગમ હોય છે. હું શારીરિક રીતે પૂર્ણપણે ફિટ અને તૈયાર રાખું છું અને મૅચમાં પણ મારો આ જ અપ્રોચ હોય છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button