અન્ડર-19 વર્લ્ડ કપમાં અમેરિકા સામે ભારત મોટી મુશ્કેલીમાં…

બુલવૅયો: ઝિમ્બાબ્વેના બુલવૅયો શહેરમાં આયુષ મ્હાત્રેના સુકાનમાં ભારતીય અન્ડર-19 ટીમ જુનિયર વન-ડે વર્લ્ડ કપમાં અમેરિકા જેવા ક્રિકેટના નવાસવા દેશ સામે મુશ્કેલીમાં આવી ગઈ છે.
માત્ર 108 રનના લક્ષ્યાંક સામે ભારતે વરસાદ અને નબળા પ્રકાશના વિઘ્નો બાદ ઉપરાઉપરી વિકેટો ગુમાવી દીધી હતી.
સુપરસ્ટાર બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી ફક્ત ત્રણ બૉલ રમી શક્યો હતો અને ચોથા બૉલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ભારતે 12મા રને 14 વર્ષના વૈભવની પ્રથમ વિકેટ ગુમાવી ત્યાર પછી વરસાદ, બૅડ લાઇટ તેમ જ વીજળીના ચમકારા વચ્ચે ઘણી વાર સુધી રમત રોકી દેવામાં આવી હતી.
1/21ના સ્કોર સાથે રમત ફરી શરૂ થઈ ત્યાર બાદ 21મા રને અને પચીસમા રને વિકેટ પડી હતી. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે 8.1 ઓવરમાં ભારતનો સ્કોર 3/46 હતો. ત્રણમાંથી બે વિકેટ અમેરિકાના ભારતીય મૂળના પેસ બોલર રીત્વિક આપ્પીડીએ લીધી હતી.
એ પહેલાં, અમેરિકાને 107 રનમાં ઑલઆઉટ કરાવવામાં વલસાડના પેસ બોલર હેનિલ પટેલનું સૌથી મોટું યોગદાન હતું. તેણે 16 રનમાં પાંચ વિકેટ લીધી હતી.



