સ્પોર્ટસ

વર્લ્ડ ચૅમ્પિયન અન્ડર-19 ક્રિકેટરોનું મુંબઈમાં આગમનઃ પરિવારજનો અને ચાહકોએ શાનદાર સ્વાગત કર્યું

મુંબઈઃ શુક્રવારે અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપનો તાજ જીતનાર આયુષ મ્હાત્રેના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમના ખેલાડીઓ રવિવારે અહીં ઝિમ્બાબ્વેના હરારેથી શરૂ કરેલા પ્રવાસ બાદ મુંબઈ ઍરપોર્ટ (Mumbai airport) પર આવી પહોંચ્યા ત્યારે ભારતીય ક્રિકેટના અધિકારીઓ તેમ જ અસંખ્ય ચાહકો અને ખુદ ખેલાડીઓના પરિવારજનોએ તેમનું શાનદાર સ્વાગત કર્યું હતું.

ભારત છઠ્ઠી વખત અન્ડર-19 વર્લ્ડ કપ જીત્યું છે. શુક્રવારે ઇંગ્લૅન્ડ સામેની ફાઇનલમાં ભારતે 100 રનથી વિજય મેળવ્યો હતો. ભારતે નવ વિકેટે 411 રન કર્યા બાદ ઇંગ્લૅન્ડની ટીમ 311 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

મૂળ બિહારના 14 વર્ષના વૈભવ સૂર્યવંશી (Vaibhav SURYAVANSHI)એ શુક્રવારની ફાઇનલમાં 80 બૉલમાં 15 છગ્ગા અને 15 ચોગ્ગાની મદદથી 175 રન કર્યા હતા. 1983માં કપિલ દેવે વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામેની મૅચમાં અણનમ 175 રન કર્યા હતા એ યાદગાર ઇનિંગ્સની યાદ વૈભવે શુક્રવારની ઇનિંગ્સ સાથે અપાવી હતી.

મુંબઈ ઍરપોર્ટ પર ખાસ કરીને વૈભવ સૂર્યવંશી અને કૅપ્ટન આયુષ મ્હાત્રે, વલસાડનો હેનિલ પટેલ તેમ જ વિકેટકીપર બૅટ્સમૅન અભિજ્ઞાન કુન્ડુ છવાઈ ગયા હતા.

નાલાસોપારાના મ્હાત્રેનો આખો પરિવાર ઍરપોર્ટ પર

અન્ડર-19 ટીમનો સુકાની આયુષ મ્હાત્રે (Atush Mhatre) નાલાસોપારામાં નાલે ગામનો છે. શુક્રવારે ભારત વિશ્વ વિજેતા બન્યું ત્યાર બાદ આયુષના ઘરે અસંખ્ય લોકો આવ્યા હતા અને આયુષના પરિવાર સાથે જીત સેલિબે્રટ કરી હતી. રવિવારે મુંબઈ ઍરપોર્ટ પર આયુષને રિસીવ કરવા તેનો આખો પરિવાર હાજર હતો. એમાં આયુષના મમ્મી-પપ્પા અને આયુષના બનેવી તેમ જ બીજા નજીકના સંબંધીઓનો સમાવેશ હતો. આયુષે ફાઇનલમાં 51 બૉલમાં 53 રન કર્યા હતા.

આયુષના પપ્પા-મમ્મીએ શું કહ્યું?

આયુષ મ્હાત્રેનું નામ ભારત વતી અન્ડર-19 વર્લ્ડ કપ જીતનાર કૅપ્ટનોમાં મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી, ઉન્મુક્ત ચંદ, પૃથ્વી શૉ અને યશ ધુલ સાથે લખાઈ ગયું છે. આયુષના પિતા યોગેશ કમલાકર મ્હાત્રેએ પીટીઆઇને રવિવારે ઍરપોર્ટ પર કહ્યું, પૅરેન્ટ્સ તરીકે અમે એટલા બધા રોમાંચિત છીએ કે એ વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. આ ભારતીય ટીમના ખેલાડીઓએ વર્ષોથી જે તનતોડ મહેનત કરી એ રંગ લાવી.' આયુષના મમ્મીએ કહ્યું, મારો પુત્ર કૅપ્ટન તરીકે ટ્રોફી ભારત લેતો આવ્યો એ બદલ હું બેહદ ખુશ છું. તે ખૂબ નાનો હતો ત્યારથી તેને ક્રિકેટ રમવાનો શોખ છે. બાળપણના સમયથી તેણે જે મહેનત કરી એનું પરિણામ હવે જોવા મળ્યું છે. અમે ઘરે પહોંચ્યા પછી આ વિજયની વધુ ઉજવણી કરીશું.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button