ભારત અન્ડર-19 વર્લ્ડ કપમાં અમેરિકા સામે મહામહેનતે જીત્યું

વલસાડના હેનિલ પટેલને પાંચ વિકેટ બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર
બુલવૅયોઃ ભારતે ગુરુવારે અમેરિકાને અન્ડર-19 વર્લ્ડ કપની પ્રારંભિક મૅચમાં છ વિકેટે હરાવી દીધું હતું. વરસાદ અને નબળા પ્રકાશને લીધે વિઘ્નો આવ્યા બાદ ભારતને 50 ઓવરમાં 108 રન કરવાને બદલે 37 ઓવરમાં 96 રન બનાવવાનો નવો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો જે ભારતીય ટીમે 14 વર્ષના વૈભવ સૂર્યવંશી (બે રન) સહિતના કેટલાક ટૅલન્ટેડ બૅટ્સમેનની વિકેટ ગુમાવ્યા બાદ મહામહેનતે મેળવ્યો હતો. અમેરિકાની પાંચ વિકેટ લેનાર વલસાડના હેનિલ પટેલને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.
ક્રિકેટના નવાસવા દેશ અમેરિકા (USA)ની ટીમમાં તમામ ભારતીય મૂળના ખેલાડીઓ હતા. તેમની સામે ભારતે (India) ભારે સંઘર્ષ બાદ જીતવું પડ્યું એ જોતાં ભારતીય ટીમના મૅનેજમેન્ટે હવે પછીની મૅચો માટે નવેસરથી વ્યૂહરચના વિચારવી પડશે. ભારતની હવે પછીની લીગ મૅચ બાંગ્લાદેશ સામે અને ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડ સામે રમાશે.

આ પણ વાચો : અન્ડર-19 વર્લ્ડ કપમાં અમેરિકા સામે ભારત મોટી મુશ્કેલીમાં…
કુન્ડુ (Kundu) બન્યો તારણહાર
આયુષ મ્હાત્રેના સુકાનમાં ભારતીય ટીમે 17.2 ઓવરમાં ચાર વિકેટે 99 રન બનાવીને જીત હાંસલ કરી હતી, પરંતુ એક તબક્કે માત્ર પચીસ રનમાં ત્રણ વિકેટ અને 70મા રને ચોથી વિકેટ ગુમાવતાં ભારતીય ટીમની છાવણીમાં ચિંતા ફરી વળી હતી. જોકે વિકેટકીપર અભિજ્ઞાન કુન્ડુ (42 અણનમ, 41 બૉલ, 45 મિનિટ, એક સિક્સર, પાંચ ફોર) ટીમ માટે તારણહાર બન્યો હતો. કૅપ્ટન આયુષ મ્હાત્રે (19 રન, 19 બૉલ, 28 મિનિટ, ચાર ફોર) તેમ જ અમદાવાદના વેદાંત ત્રિવેદી (બે રન) તેમ જ વાઇસ-કૅપ્ટન વિહાન મલ્હોત્રા (18 રન, 17 બૉલ, 33 મિનિટ, બે ફોર)ની વિકેટ પણ સસ્તામાં પડી ગઈ હતી.
લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન કુન્ડુએ રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન અને ઑલરાઉન્ડર કનિષ્ક ચૌહાણ (10 અણનમ, 14 બૉલ, 15 મિનિટ) સાથે 29 રનની બહુમૂલ્ય અતૂટ ભાગીદારી કરી હતી અને ભારતે 4/99ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો.
આ પણ વાચો : અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતને અમેરિકા માત્ર આટલો લક્ષ્યાંક આપી શક્યું
ભારતની પચીસ રનમાં ત્રણ વિકેટ પડી
એ પહેલાં, માત્ર 108 રનના લક્ષ્યાંક સામે ભારતે વરસાદ અને નબળા પ્રકાશના વિઘ્નો બાદ ઉપરાઉપરી વિકેટો ગુમાવી દીધી હતી. સુપરસ્ટાર બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી ફક્ત ત્રણ બૉલ રમી શક્યો હતો અને ચોથા બૉલ પર ક્લીન બોલ્ડ થયો હતો. ભારતે 12મા રને 14 વર્ષના વૈભવની પ્રથમ વિકેટ ગુમાવી ત્યાર પછી વરસાદ, બૅડ લાઇટ તેમ જ વીજળીના ચમકારા વચ્ચે ઘણી વાર સુધી રમત રોકી દેવામાં આવી હતી. 1/21ના સ્કોર સાથે રમત ફરી શરૂ થઈ ત્યાર બાદ 21મા રને અને પચીસમા રને વિકેટ પડી હતી. આ અહેવાલ લખાઈ રહ્યો હતો ત્યારે 8.1 ઓવરમાં ભારતનો સ્કોર 3/46 હતો. એ પહેલાં, અમેરિકાને 107 રનમાં ઑલઆઉટ કરાવવામાં વલસાડના પેસ બોલર હેનિલ પટેલનું સૌથી મોટું યોગદાન હતું. તેણે 16 રનમાં પાંચ વિકેટ લીધી હતી.
આ પણ વાચો : સૂર્યકુમાર યાદવ આ હૉટ ઍક્ટ્રેસને કરતો હતો મૅસેજ? ચાહકે 100 કરોડના માનહાનિ કેસનો કર્યો દાવો
હેનિલ સિવાયના અન્ય ચાર બોલરને એક-એક વિકેટ મળી હતી જેમાં મોડાસાના ખિલન પટેલ તેમ જ દીપેશ દેવેન્દ્રન, આર. એસ. અંબરિશ અને વૈભવ સૂર્યવંશીનો સમાવેશ હતો. અમેરિકાની ટીમમાં સૌથી વધુ રન નીતીશ સુદિનીના હતા. તેણે 36 રન કર્યા હતા અને તેની વિકેટ સૂર્યવંશીએ મેળવી હતી. અદનિત ઝામ્બે 18 રન તેમ જ સાહિલ ગર્ગ અને વિકેટકીપર અર્જુન મહેશે 16-16 રન બનાવ્યા હતા. અમેરિકાની ટીમના બે બૅટ્સમૅનના ઝીરો હતા અને બાકીના બૅટ્સમેનના રન સિંગલ ડિજિટમાં હતા.



