અન્ડર-19 વર્લ્ડ કપ: અપરાજિત ભારતનું ફાઇનલમાં ટાંય ટાંય ફિસ
રોહિત શર્માની ટીમની જેમ ઉદય સહારનની ટીમ પણ નિર્ણાયક મુકાબલામાં ઑસ્ટ્રેલિયા સામે પાણીમાં બેસી ગઈ અને 79 રનથી હારી
બેનોની: નવેમ્બરમાં અમદાવાદમાં રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતીય ટીમે આખા વન-ડે વર્લ્ડ કપમાં અપરાજિત રહ્યા પછી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ઘૂંટણિયા ટેકવ્યા હતા એવું રવિવારે સાઉથ આફ્રિકાના બેનોની શહેરમાં વન-ડેના અન્ડર-19 વર્લ્ડ કપમાં ઉદય સહારનના સુકાનમાં ભારતીય ટીમ અપરાજિત રહ્યા પછી નિર્ણાયક મુકાબલામાં પાણીમાં બેસી ગઈ હતી.
સૌથી વધુ પાંચ વખત ટ્રોફી જીતી ચૂકેલા ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત સામે ઑસ્ટ્રેલિયાએ 79 રનથી શાનદાર વિજય મેળવ્યો હતો. ભારત 254 રનના લક્ષ્યાંક સામે મિડલ ઑર્ડર સાવ ફ્લૉપ જવાને કારણે 174 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.
ઑસ્ટ્રેલિયાએ ગણતરીના મહિનાઓમાં ચાર મોટી ટ્રોફી મેળવી છે: 2023માં વિમેન્સ ટી-20 વર્લ્ડ કપ, મેન્સ ટેસ્ટ વર્લ્ડ કપ, કૉમનવેલ્થ ગેમ્સ અને હવે અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ.
અગાઉ જેમ સાઉથ આફ્રિકાની ઓળખ ચૉકર્સ (કટોકટીના સમયે પરાસ્ત) તરીકે થતી હતી એવું ભારતની બાબતમાં પણ કહેવાશે તો નવાઈ નહીં લાગે.
ભારત નવમી વાર ફાઇનલમાં પહોંચ્યું હતું, પણ છઠ્ઠી ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહ્યું હતું. ખુદ કૅપ્ટન ઉદય સહારન (આઠ રન), સચિન ધાસ (નવ રન), અર્શિન કુલકર્ણી (ત્રણ રન) અને મુશીર ખાન (બાવીસ રન) પર સૌથી વધુ મદાર હતો, પરંતુ ચારમાંથી એકેય બૅટર લાંબી ઇનિંગ્સ નહોતા રમી શક્યા. ટોચની બૅટિંગ લાઇન-અપ માટે શરમની વાત એ છે કે સ્પિનર મુરુગન અભિષેકે ઑસ્ટ્રેલિયાના પાંચ બોલરનો હિંમતથી અને સકારાત્મક અભિગમ સાથે સામનો કર્યો હતો અને ભયંકર માનસિક દબાણની સ્થિતિમાં 62 મિનિટ સુધી ક્રીઝ પર રહીને 46 બૉલમાં 42 રન બનાવ્યા હતા, પણ સામે છેડે પડતી જતી હોવાથી ભારત માટે જીતવાનું મુશ્કેલ બનતું ગયું હતું.
ભારતીય ટીમમાં ઓપનર આદર્શ સિંહ પણ 135 મિનિટ સુધી ક્રીઝમાં રહ્યો હતો અને 77 બૉલમાં 47 રન બનાવ્યા હતા, પરંતુ તેની સાતમી વિકેટ પડી ત્યારે જ ભારતની જીતની આશા પર પાણી ફરી વળ્યું હતું. ઑસ્ટ્રેલિયાના મહીલ બીઅર્ડમૅન અને રૅફ મૅકમિલને ત્રણ-ત્રણ તથા કૅલમ વિડિયરે બે વિકેટ લીધી હતી.
ભારતના કચ્છી પેસ બોલર રાજ લિંબાણીનો બોલિંગ પર્ફોર્મન્સ પાણીમાં ગયો હતો. તેણે શરૂઆતમાં જ ઑસ્ટ્રેલિયાને ઝટકો આપ્યો હતો અને કુલ 38 રનમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બીજા ફાસ્ટ બોલર નમન તિવારીએ બે વિકેટ લીધી હતી. જોકે તેની બધી મહેનત પણ એળે ગઈ હતી. ઑસ્ટ્રેલિયાએ પહેલા બૅટિંગ લઈને સાત વિકેટે 253 રન બનાવ્યા હતા જેમાં ભારતીય મૂળના હરજસ સિંહના પંચાવન રન હાઈએસ્ટ હતા. ત્રણ ઑસ્ટ્રેલિયનના 40-પ્લસ રનની ઇનિંગ્સે તેમને 253/7નો પડકારરૂપ સ્કોર અપાવ્યો હતો.