શુક્રવારે ભારત-ઇંગ્લૅન્ડ વચ્ચે અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલઃ વરસાદની આગાહી

હરારેઃ અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ (world cup)માં ભારત સૌથી વધુ પાંચ ટાઇટલ જીતવાનો વિશ્વવિક્રમ ધરાવે જ છે અને હવે શુક્રવારે (બપોરે 1.00 વાગ્યાથી) અહીં ફરી એક વખત ભારતીય ટીમ જીતીને વર્લ્ડ રેકૉર્ડ વધુ મજબૂત બનાવી શકે. ભારતનો ફાઇનલ જંગ ઇંગ્લૅન્ડ (england) સામે છે. જોકે આ મુકાબલા દરમ્યાન વરસાદ પડવાની આગાહી છે.
જોકે ઇંગ્લૅન્ડની ટીમ સેમિ ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને પરાસ્ત કરીને ફાઇનલમાં પહોંચી હોવાથી આયુષ મ્હાત્રેની ટીમે બહુ સાવચેત રહેવું પડશે. ઇંગ્લૅન્ડની ટીમ છેક 1998માં (28 વર્ષ પહેલાં) એકમાત્ર ટાઇટલ જીતી હોવાથી આ વખતે ગમે એમ કરીને જીતવા કોઈ કસર બાકી નહીં છોડે. ઇંગ્લૅન્ડની ટીમનું સુકાન થૉમસ રેવના હાથમાં છે. તેના કુલ 299 રન આ ટૂર્નામેન્ટમાં ચોથા નંબરે છે.
આપણ વાચો: અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતના છોકરાઓ છવાઈ ગયાઃ હાઇએસ્ટ ટાર્ગેટ ચેઝ કર્યો, 10મી વખત ફાઇનલમાં
ભારતે (india) સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાનની પડકારરૂપ ટીમને હરાવી હોવાથી ભારતના ખેલાડીઓ ખૂબ જુસ્સેદાર છે. આરૉન જ્યોર્જ (115 રન) બુધવારની સેમિ ફાઇનલનો સુપરસ્ટાર હતો. વૈભવ સૂર્યવંશી (68 રન) અને આયુષ મ્હાત્રે (62 રન)ના પણ આ વિજયમાં મોટા યોગદાન હતા.
ઇંગ્લૅન્ડને કાબૂમાં રાખવામાં ભારતીય બોલર્સ હેનિલ પટેલ, ખિલન પટેલ, આર. એસ. અંબરિશ, દીપેશ દેવેન્દ્રન, કનિષ્ક ચૌહાણ અને ખુદ આયુષે કમર કસવી પડશે.



