અંડર-19 વર્લ્ડ કપમાં ઝળકેલા ‘જુનિયર સચિન’ની અજાણી વાતો જાણી લો…

બેનોની: મંગળવારે અન્ડર-19 વર્લ્ડ કપમાં યજમાન સાઉથ આફ્રિકા સામેની રોમાંચક સેમિ ફાઇનલમાં સાત બૉલ બાકી રાખીને બે વિકેટે ભારતે વિજય મેળવ્યો અને નવમી વખત આ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો એનો સૌથી મોટો યશ મહારાષ્ટ્રના સચિન ધાસ (96 રન, 95 બૉલ, 121 મિનિટ, એક સિક્સર, અગિયાર ફોર)ને, મૂળ રાજસ્થાનના કૅપ્ટન ઉદય સહારન (81 રન, 124 બૉલ, 200 મિનિટ, છ ફોર)ને અને કચ્છી ઑલરાઉન્ડર રાજ લિંબાણી (60 રનમાં ત્રણ વિકેટ અને ચાર બૉલમાં એક સિક્સર, એક ફોર સાથે અણનમ 13)ને જાય છે.
ઉદયને મૅન ઑફ ધ સેમિ ફાઇનલનો પુરસ્કાર મળ્યો હતો. તેની અને સચિન ધાસ વચ્ચે 171 રનની ભાગીદારી થઈ હતી.
ભારત સામેની રવિવારની ફાઇનલ (બપોરે 1.30 વાગ્યાથી)માં કોણ રમશે એ ગુરુવારની પાકિસ્તાન તથા ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી સેમિ ફાઇનલ (બપોરે 1.30 વાગ્યાથી)ના પરિણામ પરથી નક્કી થશે.
મંગળવારના ત્રણેય મૅચ-વિનર્સમાં સચિન ધાસ એવો છે જેની લાઇફ અને કરીઅર ભારતના બે લેજન્ડરી પ્લેયર સચિન તેન્ડુલકર તથા વિરાટ કોહલી સાથે જોડાયેલી છે.
સચિન ધાસના પપ્પા સંજય ધાસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, ‘2005માં મારા દીકરાનો જન્મ થયો ત્યારે હું સચિન તેન્ડુલકરનો ડાઇ-હાર્ડ ફૅન હતો એટલે મેં તેના નામ પરથી જ મારા પુત્રનું નામ રાખ્યું હતું. મારો દીકરો વિરાટ કોહલીનો ફૅન છે. ખરું કહું તો મારા પુત્રનો કોઈ દોસ્ત નથી. હું જ તેનો દોસ્ત છું. મેં ક્યારેય તેને કોઈના લગ્નમાં કે બર્થ-ડે પાર્ટીમાં નથી જવા દીધો. ક્રિકેટ પરની તેની એકાગ્રતા હટે નહીં એટલે મેં તેના માટે આ નિયંત્રણો રાખ્યા છે.’
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં રહેતા સચિન ધાસને મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિયેશન તરફથી ખૂબ સારો સપોર્ટ મળ્યો હોવાનું તેના પપ્પાએ મુલાકાતમાં કહ્યું છે. તેમના મતે સચિન ધાસે દરેક સ્તરે સારું પર્ફોર્મ કર્યું છે અને મેરિટ પર જ સિલેક્ટ થતો આવ્યો છે. સંજય ધાસે કહ્યું છે કે ‘હું જાણું છું કે મારા પુત્રએ મેદાન પર હજી ઘણી આકરી પરીક્ષાઓ આપવી પડશે, પરંતુ મને ઈશ્ર્વરમાં શ્રદ્ધા છે અને ખાતરી છે કે દરેકની શુભકામનાની મદદથી તે થોડા જ સમયમાં ભારતની સિનિયર ટીમ વતી રમશે. અમે બધા એ દિવસની રાહ જોઈ રહ્યા છીએ.’