બ્રિસ્બેનમાં વૈભવ-વેદાંતે વટ રાખ્યો, ભારતને વિજયી પથ પર લાવી દીધું...
સ્પોર્ટસ

બ્રિસ્બેનમાં વૈભવ-વેદાંતે વટ રાખ્યો, ભારતને વિજયી પથ પર લાવી દીધું…

સૂર્યવંશીના આઠ છગ્ગા, નવ ચોક્કાઃ અમદાવાદી પાર્ટનર સાથે 152 રનની ભાગીદારી

બ્રિસ્બેનઃ એક તરફ ટી-20 આંતરરાષ્ટ્રીય ફૉર્મેટમાં મુંબઈના સૂર્યકુમાર યાદવના સુકાનમાં ભારતે પાકિસ્તાનને ફાઇનલમાં ધૂળચાટતું કરીને એશિયા કપમાં ચૅમ્પિયનપદ મેળવી લીધું ત્યાં બીજી તરફ બ્રિસ્બેનમાં મુંબઈના જ આયુષ મ્હાત્રેની કૅપ્ટન્સીમાં ભારતની અન્ડર-19 (India under 19) ટીમે યજમાન ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમ સામે અસરદાર પર્ફોર્મ કરીને વિજયની આશા જન્માવી છે.

ચાર દિવસની પ્રથમ યુથ ટેસ્ટમાં બુધવારના બીજા દિવસે બિહારના વૈભવ સૂર્યવંશી (113 રન, 86 બૉલ, આઠ સિક્સર, નવ ફોર) અને અમદાવાદના વેદાંત ત્રિવેદી (140 રન, 192 બૉલ, 19 ફોર)ની સદીની મદદથી અન્ડર-19 ટીમે પ્રથમ દાવમાં 428 રન કરીને 185 રનની સરસાઈ મેળવી હતી.

14 વર્ષની ઉંમરે આઇપીએલમાં યંગેસ્ટ સેન્ચુરિયન બનેલા લેફ્ટ-હૅન્ડ ઓપનર વૈભવ (Vaibhav) અને 18 વર્ષના રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન વેદાંત ત્રિવેદી (Vedant Trivedi) વચ્ચે ત્રીજી વિકેટ માટે 152 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. ભારતીય ટીમના 69 રનના સ્કોર પર વિહાન મલ્હોત્રાની બીજી વિકેટ પડી ત્યારે વૈભવ સાથે વેદાંત જોડાયો હતો અને બન્નેની જોડી ટીમના સ્કોરને માત્ર બાવીસ ઓવરમાં 221 રન સુધી લઈ ગઈ હતી.

વૈભવે ખાસ કરીને યજમાન ટીમના પેસ બોલરની બોલિંગની ધુલાઈ કરી હતી. તેણે ભારતીય મૂળના સ્પિનર આર્યન શર્માનો બૉલ કવર ડ્રાઇવમાં બાઉન્ડરી લાઇનની બહાર મોકલીને સદી પૂરી કરી હતી.

ઇન્ડિયા અન્ડર-19ના 428 રનમાં મોડાસાના ખિલાન પટેલનું 49 રનનું યોગદાન હતું. એ રન તેણે 49 બૉલમાં બે સિક્સર અને સાત ફોરની મદદથી બનાવ્યા હતા.

બુધવારની બીજા દિવસની રમતના અંતે ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમનો બીજા દાવનો સ્કોર એક વિકેટે આઠ રન હતો અને ભારતીય ટીમને ફરી બૅટિંગમાં લાવવા એણે બીજા 177 રન કરવાના બાકી હતા. આયુષ મ્હાત્રેની ટીમને આ મૅચ એક દાવથી જીતી લેવાની તક છે. ગયા અઠવાડિયે મ્હાત્રેની આ જ ટીમને ઑસ્ટ્રેલિયા અન્ડર-19 ટીમનો વન-ડે શ્રેણીમાં 3-0થી વાઇટ-વૉશ કર્યો હતો.

આ પણ વાંચો…ભારતની અન્ડર-19 ટીમમાં ગુજરાતના ત્રણ ખેલાડી…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button