Under 19 Asia Cup: ભારતે પાકિસ્તાનને 9 વિકેટથી ચટાડી ધૂળ, સોનમની બોલિંગે કરી કમાલ
નવી દિલ્હીઃ અંડર-19 એશિયા કપ 2024માં (Under 19 Asia Cup 2024) ભારતીય ટીમે પાકિસ્તાનને (India vs Pakistan) 9 વિકેટથી ધૂળ ચટાવી હતી. પાકિસ્તાની મહિલા ટીમે પ્રથમ બેટિંગ કરતાં 67 રન બનાવી શકી હતી. ભારતે 1 વિકેટ ગુમાવીને 68 રનનો ટાર્ગેટ આસાનીથી હાંસલ કર્યો હતો. ટીમ ઈન્ડિયાના (Team India) બોલર્સ અને બેટ્સમેનોએ શાનદાર દેખાવ કર્યો હતો. ભારત માટે સોનમ યાદવે મેચમાં 4 વિકેટ ઝડપી હતી.
ભારત માટે સોનમ યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં માત્ર 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. સોનમની કાતિલ બોલિંગ સામે પાકિસ્તાની બેટ્સમેનોએ ઘૂંટણ ટેકવી દીધા હતા. શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. સોનમ ઉપરાંત પરુનિકા સિસોદીયા, વીજે જોસિતા અને મિતાલી વિનોદે એક-એક વિકેટ ઝડપી હતી. આ તમામ પ્લેયર્સે પણ ચૂસ્ત બોલિંગ કરી હતી. જેના કારણે પાકિસ્તાની ખેલાડી છૂટથી રમી શક્યા નહોતા.
માત્ર બે બેટ્સમેન જ ડબલ આંકડામાં પહોંચી શક્યા
પાકિસ્તાની માટે કોમલ ખાને સૌથી વધારે 24 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ટીમના કોઈ પણ બેટ્સમેન ટકી શક્યા નહોતા. ફાતિમા સના જ માત્ર બે આંકડામાં પહોંચી હતી. તેણે 11 રનનું યોગદાન આપ્યું હતું. સમગ્ર પાકિસ્તાની ટીમ 67 રનમાં જ તંબુ ભેગી થઈ ગઈ હતી.
ભારતની પણ થઈ હતી ખરાબ શરૂઆત
નાના ટાર્ગેટનો પીછો કરતી વખતે ભારતીય ટીમની પણ ખરાબ શરૂઆત થઈ હતી. ત્રિશા ગોગાડી ખાતું પણ ખોલી શકી નહોતી. જે બાદ કમલિની અનો સાનિકાએ શાનદાર બેટિંગ કરી હતી. બંને ખેલાડીએ નોટ આઉટ રહ્યા હતા. કમલિનીએ 44 રન અને સાનિકાએ 19 રન બનાવ્યા હતા. કમલિનીએ સિક્સ મારી મેચને જીતાડી હતી.